જામનગર: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ પેટે 8 લાખના દંડની વસૂલાત
જામનગર, તા. 12 મે 2020, મંગળવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારાઓ સામે દંડકીય કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. અને લોક ડાઉનના સમયગાળા દરમિયાન માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા વેપારીઓ વગેરે સામે ચાર હજારથી વધુ કેસ કરવામાં આવ્યા છે. અને તેઓ પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે.
ઉપરાંત આજે પણ સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવનારા અને સેનેટાઈઝર નો ઉપયોગ નહીં કરનારા વેપારીઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે જામ્યુકોની ટીમ દ્વારા માસ્ક નહીં પહેરનારા 106 લોકો સામે દંડકીય કાર્યવાહી કરાઈ છે. અને 20,900નો દંડ વસૂલાયો છે.
આ ઉપરાંત નહીં જાળવનારા 22 વેપારી સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર દિવસ દરમિયાન 128 લોકો પાસેથી 25,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૪,૦૨૬ કેસ કરવામાં આવ્યા છે. અને તમામ લોકો પાસેથી ૮,૦૦,૪૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.