જામનગર, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર
જામનગર કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસેથી એક કાર મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોકકસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે કાર એક પથ્થર સાથે ટકરાઇ જતા પંચર પડયું હતું અને કાર પલટી ખાઇ ગઇ હતી, જેનો ચાલક ભાગી છુટયો હતો, પોલીસે કારમાંથી ૨૧૬ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને કાર કબ્જે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.જ્યારેજોડિયામાં પણ કારમાંથી શરાબનો જથ્થો ઝડપાયો હતો.
કાલાવડ જામનગર ધોરીમાર્ગ પર મહાપ્રભુજીની બેઠક પાસેથી એક ટ્રાવેરા કારમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. તેવી ચોકકસ બાતમી સીટી એ. ડીવી. પોલીસને મળતા મહાપ્રભુજીની બેઠક પાસે ટ્રાવેરા કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કારના ચાલકે પોતાની કારને રોડથી નીચે થી ઉતારી હાપા રોડ પર ભગાવી હતી જેથી પોલીસે જુદા જુદા વાહનોમાં કારનો પીછો કર્યો હતો. અને હાપા રોડ તેમજ આસપાસના વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે વૃજભુમી સોસાયટી પાસે લાલવાડી આવાસ તરફ જવાના માર્ગ પર ટ્રાવેરા કાર એક પથ્થર સાથે ટકરાઇ જતા તેમાં પંચર પડી ગયું હતું અને કાર પલટી મારી ગઇ હતી.
આ અકસ્માત પછી કારમાં બેઠેલો શખ્સ પોલીસ ટુકડી આવી પહોંચે તે પહેલાજ ભાગી છુટયો હતો પોલીસે કારની તલાસી લેતા અંદરથી ૨૧૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો તેથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને ટ્રાવેરા કાર કબ્જે કરી લઇ વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જોડીયા પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક ઝાયલો કારમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે તે ચોકકસ બાતમીના આધારે જોડીયા પોલીસે વહેલી સવારે દુધઇ ગામ તરફ જવાના માર્ગે વોચ ગોઠવી ઝાયલો કારને આંતરી લીધી હતી જેની તલાસી લેતા અંદરથી ૧૧૯ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોમાં જથ્થો મળી આવ્યો હતો તેથી જોડીયા પોલીસે કાર અને દારૂ સહિત રૂા. ૩.૪૫ લાખની માલમતા કબ્જે કરી છે જયારે કારની અંદર બેઠેલા રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની ગણપતસિંહ અખેરાજસિંહ સોલંકી તેમજ રાપર કચ્છના વતની ગુલાબસિંહ મંગળસિંહ રાઠોડ અને નરપતસિંહ મંગળસિંહ રાઠોડ નામના બે બુટલેગરોની ધરપકડ કરી લઇ તમામની વિશેષ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.


