જામનગરના સોશિયલ મીડિયામા ફરતા વિડિઓ પરથી પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી
- એક ધાર્મિક સ્થળે એકઠા થયેલા લોકોની જાહેરનામાના ભંગ બદલ કરાઈ ધરપકડ
જામનગર, તા. 05 એપ્રીલ 2020, રવિવાર
જામનગર શહેરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકો જુદા-જુદા કારણોસર ઘરની બહાર નીકળી રહ્યા છે. તે અનુસાર ગઇકાલે એક ધાર્મિક સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા છે તેવો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં તેના પર પોલીસે વોચ ગોઠવી તે ધાર્મિક સ્થળ પર જઈને તપાસણી કરતા પાંચ થી વધુ લોકો એકત્ર થયેલા મળી આવ્યા હતા.
જે તમામની ધરપકડ કરી લઈ તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે. જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અટકાયતમાં લઇ લેવાનો પ્રથમ ગુનો દાખલ થયો છે.
જામનગરમાં ખારવા ચકલા વિસ્તારમાં આવેલી એક દરગાહમાં લોકો એકત્ર થયા છે, જે અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોના આધારે પોલીસે તુરંત જ ખરાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી. સીટી એ ડિવિઝન પોલીસ દોડીને તરત જ ખારવા ચકલા વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને વિડિયો રેકોર્ડિંગ ના આધારે ખરાઇ કરતા એક દરગાહમાં પાંચથી વધુ લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
જેથી પોલીસે દરગાહમાં હાજર રહેલા બસીર મોહમ્મદ મીલવાલા, હસન ગનીભાઇ મકરાણી, અસ્લમ મોહમ્મદ ઘાંચી, ઈકબાલ મોહમ્મદ શેખ અને જાહિદ રજાક સેતા વગેરે પાંચ શખ્સોની ધરપકડ કરી લઈ તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ની કલમ 188 હેઠળ ગુનો નોંધાયો છે. જામનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયો મારફતે ગુનો દાખલ કરવાનો પ્રથમ કિસ્સો બન્યો છે.