જામનગર શહેરમાં ડેંગ્યુના રોગચાળા સામે મહાનગરપાલિકા એક્શનમાં : છેલ્લા 3 મહિનામાં જ 86 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેરમાં વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ડેંગ્યુના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જામનગર શહેરમાં ડેંગ્યુના કુલ 96 કેસ નોંધાતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે, દવાનો છંટકાવ, દવાઓ અને જરૂરી ગોળીઓનું વિતરણ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.ગોરીના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં ડેંગ્યુના કુલ 96 કેસ નોંધાયા છે. જેમાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં જ 86 કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેંગ્યુના 8 કેસ નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબર મહિનામાં આ આંકડો વધીને 35 થયો હતો. બીજી તરફ, ચાલુ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેંગ્યુના 39 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, વરસાદી સિઝન બાદ મચ્છરોના ઉપદ્રવ સાથે ડેંગ્યુના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
ડેંગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ઘરમાં તેમજ આસપાસના વિસ્તારમાં પાણી ભરેલાં ખુલ્લાં પાત્રો, ટાંકીઓ, કુંડીઓ અને અન્ય પાણીના સંગ્રહસ્થાનોની તપાસ કરવામાં આવે છે. જ્યાં મચ્છરના પોરા મળી આવે ત્યાં પોરાનાશક દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે.
આ ઉપરાંત નાગરિકોને જરૂરી દવાઓ અને ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સાથે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો પણ આ કામગીરીમાં જોડાઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર રાખવા, પાણીનાં પાત્રોને ઢાંકીને રાખવા, કૂલર અને અન્ય પાણીનાં પાત્રોની નિયમિત સફાઈ કરવા તેમજ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
ડેંગ્યુના કેસની સ્થિતિ
જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં 10 કેસ, સપ્ટેમ્બર માસમાં 8 કેસ, ઓક્ટોબર માસમાં 35 કેસ અને નવેમ્બર માસમાં (27મી સુધી) 39 સહિત કુલ 94 કેસ સામે આવ્યા છે. ત્યારે જાન્યુઆરીથી નવેમ્બરના સુધીમાં મેલેરિયાના 18 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સર્વેલન્સ અને મચ્છર નિયંત્રણની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.




