જામનગરમાં અકસ્માત સર્જનાર ડમ્પર પર ટોળાનો પથ્થર મારો, તોડફોડ
- બાઈકને હડફેટે લેતાં મામાનું મોત અને ભાણેજ ગંભીર રીતે ઘાયલ, ડમ્પરનો ડ્રાઈવર નાસી છૂટતા લોકોનું ટોળું વિફર્યું
જામનગર તા, 19 ફેબ્રુઆરી 2020, બુધવાર
જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં આજે બપોરે એક ડમ્પર અને મોટરસાયકલ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કૌટુંબિક મામા ભાણેજને ઈજા થઈ હતી જે પૈકી મામાનું ગંભીર ઈજા થવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ને ભાગી છુટયો હતો.જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી ડમ્પર ના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે , જામનગરમાં હર્ષદમીલની ચાલી નજીક મહાવીર નગર શેરી નંબર ચાર મા રહેતા કલ્પિત રમેશભાઇ વાઘેલા (ઉંમર વર્ષ ૨૦) કે જે તબલા વગાડે છે અને તબલા લેવાના હોવાથી પોતાના મોટર સાયકલ માં આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના જ કૌટુંબિક મામા ભીમજીભાઇ ટપુભાઇ રાઠોડ (ઉ.વર્ષ ૪૩) ને બાઈકમાં પાછળ બેસાડીને જઈ રહ્યા હતા. જે દરમિયાન હર્ષદમીલની ચાલી નજીક એમ ઇ એસ ના ગેટ પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલા જી જે ૫ એ.વી.૦૮૪૨ નંબરના ડમ્પરના ચાલકે બાઇકને હડફેટમાં લઈ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક કલ્પિત રમેશભાઇ વાઘેલાને ગંભીર પ્રકારની ઈજા થઈ હતી.
ઉપરાંત પાછળ બેઠેલા તેના કૌટુંબિક મામા ભીમજીભાઇ ટપુભાઇ રાઠોડ ને પણ અતિ ગંભીર ઈજા થઈ હતી અને તેના બંને પગ કપાઈ ગયા. જે બંન્ને ને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ ની ટીમે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જ્યાં મામા ભીમજી ભાઈ નું ગંભીર ઇજા થઇ હોવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભાણેજ કલ્પિત સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ અકસ્માતના બનાવ પછી ઉપરોક્ત વિસ્તારના લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને ડમ્પર ઉપર પથ્થરમારો કરી દીધો હતો.આ સમયે તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અને ડમ્પર નો કબજો સંભાળી લીધો હતો. આ ગોઝારા અકસ્માતના બનાવ અંગે કલ્પિત રમેશભાઈ વાઘેલાએ ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસ ેશોધ હાથ ધરી હતી.