'સર્વત્ર ગુંજ્યો હર હર મહાદેવ'નો નાદ ભાવભેર મહાશિવરાત્રીની ઉજવણી
- શિવમંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટયા
- શિવ શોભાયાત્રા, પૂજન, અભિષેક, ધ્વજારોહણ, વધુરૂદ્ર, મહાઆરતી, ભાંગપ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા
(પ્રતિનિધિઓ દ્વારા) જામનગર, તા. 21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રિની ઉજવણી થઈ હતી. ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મમાં શિવરાત્રીનો મહિમા અનંત તથા અનન્ય છે. વેદ, પુરાણ, ઉપનિષદ તથા શાસ્ત્રોમાં શિવજીનો મહિમા ગવાયો છે. દેવાધિદેવ શિવજીની ભક્તિનું પર્વ એટલે શિવરાત્રી. આજે વહેલી સવારથી શિવાલયોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા. હર હર મહાદેવનો નાદ દિવસભર ગુંજ્યો હતો. શિવ શોભાયાત્રા, બિલ્વ અભિષેક પૂજન, અર્ચન, આરતી, લઘુરૂદ્ર, ચાર પ્રહરની પૂજા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સર્વત્ર શિવભક્તિની આહલેક ઉઠી હતી. ઠેર-ઠેર ભાંગ પ્રસાદનું વિતરણ થયું હતું.
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ આજે પરંપરાગત રીતે ઓગણચાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા નિકળી હતી. બપોરે ચાર વાગ્યે પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઈ જાહેરમાં ફરી હતી. તથા ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે એક વાગ્યે પૂર્ણ થઈ હતી. ૨૩થી પણ વધુ આકર્ષક ફ્લોટસ શોભાયાત્રામાં જોડાયા હતા. ભગવાન શિવજીની આશુતોષ સ્વરૂપની સુવર્ણ અલંકારોથી સજીત અને રજત મઢિત પાલખીના દર્શન માટે શહેરમાં તમામ સ્થળે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી.
જામનગર શહેરમાં અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ શિવદર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી અને પૂજા સામગ્રી સાથે દર્શનાર્થીઓ કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યા હતા.
જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સર્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં આજે મહાશિવરાત્રિના પર્વને લઈને મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. જામનગરના જિલ્લા પોલીસ વડા અને તેમના પરિવારજનો દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં ૧૦૮ પાર્થિવ શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર અલગ અલગ ૧૧ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવ્યો હતો. ષોડશોપચાર વિધી દ્વારા મહાદેવનું પૂજન કરવામાં આવ્યું. પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિરે દ્વાદશ જ્યોતિર્લીંગના વિશિષ્ટ પ્રકારના દર્શન યોજવામાં આવ્યા હતા. પોરબંદરના સાંદીપનિ શ્રી હરિમંદિરે મહાશિવરાત્રીની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં લઘુરૂદ્રાભિષેક સહિત હોમાત્મક લઘુરૂદ્ર યોજાયો હતો.
યાત્રાધામ દ્વારકામાં સમુદ્રની વચ્ચે બિરાજમાન પ્રાચીન ભડકેશ્વર મંદિરે આજે વહેલી સવારથી જ દર્શનાર્થે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલય ગુંજી ઉઠયું હતું. તેમજ મહાદેવને ભાવિકોએ દુધ અભિષેક જલ અભિષેક અને બિલીપત્રો મહાદેવને ચડાવી ધન્યતા અનુભવી હતી. મંદિરે લોકમેળો યોજાયો હતો.
દ્વારકા પાસે આવેલું બાર જ્યોર્તિલીંગ પૈકીનું એક નાગેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી દર્શનાર્થે ભાવિકો ઉમટયા હતા. પૂજન, અભિષેક વગેરે કાર્યક્રમો યોજાયા હતા. મહાદેવને ફુલના શૃંગાર કરાયા હતા.
અમરેલી શહેરના પ્રખ્યાત નાગનાથ મહાદેવ મંદિર, કામનાથ મહાદેવ મંદિરેથી વિશાળ વરણાંગી નિકળેલ હતી. વરણાંગી શહેરના રાજમાર્ગો ઉપર ફરેલ હતી. મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ લાગેલ હતી. બ્રાહ્મણ સોસાયટીમાં આવેલા બ્રહ્મેશ્વર મંદિરે પણ શિવાલયનો ભવ્ય શણગાર કરી શિવરાત્રિની ઉજવણી કરવામાં આવેલ હતી.
ઉનામાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાકાલેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા ધ્વજા આરોહણ કર્યા બાદ નીકળી હતી. તેમજ રાત્રીના ઉના શહેરમાં ઓમકારેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી યોજાઈ હતી.
જસદણ વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
ખંભાળિયાના પૌરાણિક એવા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી (શોભાયાત્રા) સવારે રંગમહોલ સ્કલ પાસેથી નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રાની પૂર્ણાહૂતિ બાદ ખામનાથ મહાદેવ મંદિરે વિવિધ ધર્મમય કાર્યક્રમો યોજાયા હતા.
રામનાથ મહાદેવ મંદિરે ચાર પ્રહરની આરતી, દિપમાળા, ઘીની મહાપુજા સહિતના દર્શનોનો લાભ વિશાળ સંખ્યામાં શિવભક્તોએ લીધો હતો. શરણેશ્વર મહાદેવ, વડત્રા ગામ નજીકના ધીંગેસ્વર મહાદેવ, કોટા ગામે કોટેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ (જલારામ મંદિર), સુખનાથ મહાદેવ, શહેરની મધ્યમાં બીરાજતા પાળેશ્વર મહાદેવ સહિતના તમામ શિવાલયોમાં આજે આખો દિવસ ધર્મમય માહોલ વચ્ચે શિવ ભક્તોએ ભોળાનાથની ભક્તિ કરી હતી.
મેંદરડાની એવરશાઈન એકેડેમીમાં સવારના ઉગતા સુર્યની સાથે મહાશિવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો.
મુળી ખાતે સદાવાડીના પ્રાણનાથ મહાદેવ, આશુતોષ મહાદેવ, સરલા ગેબેશ્વર મહાદેવ, સરા, વૈજનાથ અને જડેશ્વર મહાદેવ ખાતે આજે વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠયા હતા. પંચામૃત દુધ, બિલીપત્રો, ફુલો સાથે મહાદેવજીનો અભિષેક કરી જપ તપ પુજા અર્ચના કરી લોકો શિવમય બની ગયા હતા. મુળી ખાતે રબારી નેસમાં આવેલ મેલડી માતાજીના મંદિરે શિવરાત્રી નિમીતે બરફના શિવલીંગના દર્શન યોજાયા હતા.
ગોંડલમાં મહાશિવરાત્રી પર્વ ધુમધામથી ઉજવવામાં આવ્યો હતો. રાજવી કાળના ભીમનાથ, જાગનાથ, નાગનાથ, સુરેશ્વર, ધારેશ્વર, બિલેશ્વર સહિતના વિવિધ મંદિરોમાં પૂજા, શણગાર, આરતી, લઘુ રૂદ્રાભિષેક સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા હતા. જ્યારે ખીજડા મામા મંદરે મહાઆરતી, ભોગપ્રસાદનું વિતરણ થયું હતું.
ધ્રોલ હિન્દુ સેના તરફથી મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
ભીમદેવલ નજીક ભુલેશ્વર મહાદેવના દર્શન કરવા આજ સવારથી જ ભક્તજનોની લાંબી કતારો જોવા મળી હતી.
જેતપુરમાં સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા રામનાથ મહાદેવ દાદા તેમજ ગુરૂ શ્રી નૂરસતાગોર દાદાની જેતપુરથી બીલખા સુધીની બાઈક રેલી રૂપે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. બીલખા પહોંચેલી શોભાયાત્રા દ્વારા પ્રતમ રામનાથ મંદિરે બાવન ગજની ધજા ચડાવી મહાઆરતી કરવામાં આવેલ હતી. ત્યારબાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.
પ્રાતી તીર્થમાં દાસનામી સાધુસમાજ યુવક મંડળ દ્વારા સિવજીની પૂજા અર્ચના આરતી તેમજ ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા તેમજ સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલખામાં બિલનાથ મહાદેવના મંદિરે મહાદેવનું પુજન મહાઆરતી તેમજ પષાદ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડા ખાતે આવેલ શ્રી બટેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપૂજા રૂદ્રાભિષેક મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સફુરા નદીના કાંઠે પંચનાથ મહાદેવ મંદિર, નાગનાથ મહાદેવ મંદિર, કષ્ટભંજન મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં મહાઅભિષેક, મહાઆરતી વગેરે કાર્યક્રમો યોજાયા.
મોરબીમાં બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
થાનગઢના શ્રી વાસુકીદાદાના સાનિધ્યમાં બિરાજતા ચંદ્રમૌલેશ્વરદાદાના મંદિરે શિવરાત્રીના રોજ ફુલોના શણગાર કરવામાં આવેલ હતા. બપોરે મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો.
જામનગર તાલુકાના ફલ્લા ગામે તપેશ્વર મહાદેવના મંદિર સહિતના શીવ મંદિરોમાં ભાવિકોની ભીડ જામી હતી. વિહીપ તથા બજરંગદળ આયોજીત શીવ શોભાયાત્રા નીકળી હતી. ગામના શિવ મંદિરોમાં મહાપુજા આરતી તતા ભાંગ પ્રસાદનું વિતરણ થયું હતું.