જામનગર માં પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલો આજીવન હત્યાકેસનો કેદી ફરી પકડાયો
- છેલ્લા બે વર્ષથી પેરોલ પર છૂટીને નાસતા ફરતા કેદીને એલસીબીની ટીમે પકડી પાડ્યો
જામનગર, તા. 26 જુલાઈ 2020, રવિવાર
જામનગર જિલ્લા જેલમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતો એક કેદી પેરોલ જમ્પ કરી ને ભાગી છૂટ્યો હતો. અને બે વર્ષથી નાસતો ફરતો રહ્યો હતો, જે આરોપીને એલસીબીની ટીમે પકડી પાડયો છે, અને ફરીથી જેલહવાલે કર્યો છે.
જામનગર શહેરમાં એરોડ્રામ રોડ પર રાવળ વાસમાં રહેતો જગદીશ મનસુખભાઈ ગોહેલ નામનો શખ્સ કે જે આઠેક વર્ષ પહેલાના એક હત્યા કેસમાં જેલવાસ ભોગવતો હતો, અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જે પાકા કામના કેદી ને આજથી બે વર્ષ પહેલા પેરોલ પર જામીન મુક્ત કરવામાં આવ્યો હતો. જે પેરોલ જપ કરીને પોતે ભાગી છૂટ્યો હતો, અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો રહ્યો હતો.
જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈ કાલે ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત ફરારી કેદી જામનગરમાં વુલન વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યો છે, તેવી બાતમીના આધારે લોકલ ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપી જગદીશ ગોહેલ ને પકડી પાડયો છે, અને જેલમાં મોકલી આપ્યો છે.