જામનગર, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર
જામનગર તાલુકાના દરેડ ગામમાં બાબુ ભાઈ ગોરધનભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દલપતભાઈ બાબુભાઈ મકવાણા નામની આદિવાસી ખેતમજૂરની પત્ની સવિતાબેન ૨૮ને આજથી ચાર દિવસ પહેલા અછબડા થઈ ગયા હતા, જે બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જ્યારે તેના મૃત્યુ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ માં કવિતાબેન નો પુત્ર કે જેને આજથી ૧૦ દિવસ પહેલા અછબડા થયા હતા અને તેને લીમડાના પાણીથી સ્નાન કરાવ્યા પછી પુત્રની તબીયતમાં સુધારો થઇ ગયો હતો. પરંતુ આજથી ચાર દિવસ પહેલા કવિતા બેનને પણ અછબડા થયા હતા અને તેણે પણ સામાન્ય ટ્યુબ લગાવી લીમડાના પાણીથી નાહવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો અને મૃત્યુ નીપજયું હતું.
પોલીસે જી જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જ્યારે કવિતાબેન ના મૃતદેહને અંતિમ વિધિ માટે તેના વતન દાહોદમાં મોકલી અપાયો છે.


