જામનગરમાં બે રાજ્ય મંત્રીઓ, સાંસદની હાજરીમાં સોશિયલ ડિસ્ટનસિંગના ઊડ્યા ધજાગરા
ચેમ્બર્સ દ્વારા ચેક દાનને ફોટો સેશનમાં પલટાવી નાખ્યો
જામનગર, 17 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોના મહામારી સામે લડવાની સહાય આપ્યાની પબ્લિસિટી ખાટવાની લ્હાયમાં ભાજપના નેતાઓએ ટોળે વળીને તસવીરો પડાવી
મંત્રીઓ આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમ માડમ અને અનેક અગ્રણીયોની તસ્વીર વિડિઓ વાયરલ
માહિતી ખાતા દ્વારા જ પ્રસિદ્ધ કરાયેલ તસવીરોમાં નેતાઓની પ્રસિદ્ધિ સામે આવી
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેની સામેની લડત માટે જામનગરની ચાર સંસ્થાઓએ ભેગી મળીને ગત બુધવારે જિલ્લા કલેક્ટરને કુલ 51 લાખની સહાય નિધિના ચેક આપ્યા હતા.
આ ચેક અર્પણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ખુદ જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ, રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ, અન્ન-પૂરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
ઉપરાંત વ્યાપારી મંડળોના અગ્રણીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા. ભાજપની એક યા બીજી પાંખ સાથે જોડાયેલા આ મહાનુભાવો ઉપરાંત બીજા પચાસેક લોકોએ સાથે ઊભા રહીને 51 લાખનો ચેક આપ્યાના ફોટા પડાવ્યા હતા.
કોરોના મહામારીના કપરા કાળમાં કલેક્ટર રવિશંકરને ચેક અર્પણ કરવાની ઔપચારિકતાને ભાજપના નેતાઓએ ચેકમહોત્સવમાં તબદિલ કરી નાંખી હતી.