જામનગરમાં યુવાનની હત્યા નિપજાવીને નાસેલા 3 આરોપીઓને નડયો અકસ્માત
- ભાગવા જતા દડિયા પાસે બાઈક સ્લીપ થતા એકનો પગ કપાયો, બે ઘાયલ
- રીક્ષામાં ટેપ ધીમું વગાડવાના પ્રશ્ને બબાલ થતા ઢીમ ઢાળી દીધાનું ખુલ્યું : ત્રણેય આરોપીઓ પોલીસ પહેરા હેઠળ સારવારમાં
જામનગર, તા. 21 માર્ચ 2020, શનિવાર
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં ટેપ વગાડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી પછી એક યુવાનની છરી વડે હુમલો કરી ગત રાત્રીના હત્યા નીપજાવ્યા પછી ત્રણેય હત્યારાઓ સૌપ્રથમ રિક્ષામાં બેસી ને ભાગ્યા હતા અને ત્યાર પછી રીક્ષા રેઢી મુકી બાઈકમાં બેસીને જામનગર થી બહાર ભાગવા જઇ રહયા હતા.જે દરમિયાન દડીયા પાસે ત્રણ સવારીમાં બાઇક સ્લીપ થઇ જતાં ત્રણેય ને ઈજા થઈ હતી જેમાં એક આરોપીનો પગ પણ કપાયો છે. ત્રણેયને જી જી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જેના ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં યુસુફ આમદ ખફી નામના યુવાન પર છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી ૩ હત્યારા આરોપીઓ અશ્વિન રામજીભાઈ સોલંકી, જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા અને વિપુલ રામાભાઇ ચૌહાણ રિક્ષામાં ભાગી છૂટયા પછી તેઓએ રીક્ષા રેઢી મૂકી દીધી હતી, અને બાઈકમાં ત્રણ સવારી બેસીને જામનગર થી બહાર નીકળ્યા હતા.
તેઓ દડીયા પાસે પહોંચતા એકાએક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે અકસ્માતમાં જીતેન્દ્ર નો એક પગ કપાયો છે અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં પહોંચાડયો છે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેઓનો પીછો કર્યો હતો જે દરમિયાન આ બનાવ બન્યો હતો. અને એલસીબીની ટીમે જીતેન્દ્ર તેમજ અશ્વિનને પકડી પાડયા હતા અને જી.જી.હોસ્પિટલમાં પહોંચાડયા હતા.
આ અકસ્માત પછી વિપુલ રામાભાઇ ચૌહાણ કે જે પોતે રિક્ષાચાલક પણ છે તે અકસ્માતના બનાવ પછી ભાગી છૂટયો હતો. જોકે આજે વહેલી સવારે તેને પણ પકડી લેવાયો છે. અને તેને પણ ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવવામાં આવી રહી છે. જે ત્રણેય આરોપીઓ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.હત્યાના બનાવ અંગે મૃતકના ભાણેજ હુસેન સીદીભાઈ ખફી એ સીટી એ ડીવીઝન પોલીસ પથકમાં રિક્ષાના ચાલક વિપુલ ચૌહાણ ઉપરાંત અશ્વિન ઉર્ફે બાડો અને જીતેન્દ્ર ઉર્ફે ટકો નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
રિક્ષામાં ટેપ ધીમું વગાડવાના પ્રશ્ને તકરાર થયા પછી હત્યા
ે જામનગરમાં કિશાન ચોક નજીક સુમરા ચાલીમાં રહેતો યુસુફ આમદભાઈ ખફી નામનો ૩૫ વર્ષની વયનો યુવાન ગઈકાલે સાંજે કિશાન ચોક નજીક ઉંન ની કંદોરી પાસે ઊભો હતો જે દરમિયાન એક રિક્ષામાં ત્રણ શખ્સો ત્યાં આવીને ઊભા રહ્યા હતા. અને રીક્ષામાં મોટા અવાજે ટેપ વગાડતા હતા.જેઓને ટેપ ધીમું વગાડવાનુ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ સમયે મૃતક યુવાને પોતાના હાથમાં રહેલી છરી કાઢતા રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સો પૈકીના એક શખ્સે પોતાની પાસેથી પણ છરી કાઢી યુસુફ આમદભાઈ પર હુમલો કરી દીધો હતો. જેને છાતીના ભાગે ઊંડો ઘા વાગતા ત્યાં જ ઢળી પડયો હતો. સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડતા તેનું મૃત્યુ નીપજયું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતક સાજો પણ ચોરી લૂંંટના ગુન્હા નોંધાયા
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં યુસુફ આમદ ઉર્ફે છાપરી નામના શખ્સની હત્યા નીપજાવાઇ હતી. જે આરોપી પણ થોડા સમય પહેલા એક મોટી ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. ઉપરાંત લૂંટ મારામારી સહિતના તેની સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. અને થોડા સમય પહેલાં જેલવાસ ભોગવીને બહાર આવ્યો હતો. ગઈકાલે પણ પોતે છરી સાથે જ હાજર હતો, અને તકરાર થયા પછી પોતે છરી ઉગામે તે પહેલાં જ તેના ઉપર હુમલો થઈ ગયો હતો.
બેડ પાસેના અકસ્માતનો વિડિયો વાયરલ
રોંગ સાઈડમાં આવેલા બાઈક સાથે કારની ટક્કરઃ યુવાનનું મોત
- બાઈકની પાછળ બેઠેલ યુવાનની ગંભીર સ્થિતિ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ નજીક રોંગ સાઇડમાં આવી રહેલા એક બાઈક સાથે પૂરઝડપે આવેલી કાર ટકરાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ના ચાલક સિક્કાના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જામનગર તાલુકાના સિક્કામાં રહેતો કાનજીભાઈ જયંતિ ભાઈ વાઘેલા નામનો ૨૨ વર્ષ નો યુવાન કેજે પેટ્રોલ પંપમા કીલર તરીકે નોકરી કરે છે. જે પોતાનું મોટરસાયકલ લઈને બાઈકમાં અન્ય એક યુવાન જમનભાઈ રબારી (ઉ. વ. ૧૮)ને પાછળ બેસાડીને ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ નજીક પંથી હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
તેણે પોતાનું બાઈક હોટલ પાસે રોડ ની સાઇડ માંથી પસાર કરી ડિવાઈડર તરફ નીકળવા જતા પૂરપાટ વેગે આવી રહેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાનજીભાઈ વાઘેલા નું ગંભીર ઈજા થવાના કારણે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. આ ઉપરાંત પાછળ બેઠેલા જમનભાઈ રબારી ને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા હસમુખ ભાઈ રમણીક ભાઈ વાઘેલાએ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને સિક્કા પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હાઈવે હોટલ ના સીસીટીવી કેમેરામાં ઉપરોક્ત અકસ્માતની ઘટના કેદ થઈ હતી અને તેના ફૂટેજના આધારે પોલીસે તપાસ નો દોર આગળ ધપાવ્યો છે. જામનગર શહેરમાં પણ ગઈ કાલે આ અકસ્માત નો વિડીયો ફરતો થયો હતો.