જામનગર જિ.પં.નું 11.97 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર
- બાંધકામ સમિતિની સત્તા જિ.પં.ની સામાન્ય સભાને સોંપવાનો આશ્ચર્યજનક ઠરાવ પસાર
- મોટી ખાવડી ગ્રા.પં.નું વિભાજન કરવા તથા ગંગેશ્વર ગ્રા.પં.ની રચના કરવાના ઠરાવો પણ પસાર : શિક્ષણ વિભાગના બે કર્મચારી સામે તપાસ કરવાની ખાત્રી
જામનગર, તા.13 માર્ચ 2020, શુક્રવાર
જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૦-૨૧ નું ૧૧.૯૭ કરોડનું બજેટ આજે જિલ્લા પંચાયતના સભાગ્રહમાં મુકવામાં આવ્યું હતું જે બજેટને વિરોધ પક્ષના વિરોધની વચ્ચે મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ૬ કરોડ ૨૦ લાખની પુરાંત દર્શાવવામાં આવી છે. આ બજેટ બેઠકમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન કરવાના ઠરાવને મંજુરી અપાઇ છે તેજ રીતે ગંગેશ્વર ગ્રામ પંચાયતની રચના કરવાનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના સભા ગ્રહમાં પંચાયત પ્રમુખ નૈયનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજે રૂા. ૧૧.૯૭ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. તેમાં વિરોધ પક્ષના વિરોધની વચ્ચે બજેટ મંજુર કરવામાં આવ્યું છે આ બજેટને જુદા જુદા વિકાસ કામોની સાથે કુલ ૬ કરોડ ૨૦ લાખની પુરાંત દર્શાવવામાં આવી છે.
જિલ્લા પંચાયતની સ્વ ભંડોળની આવક અને ખર્ચની જોગવાઇ પ્રમાણે ૨૦૨૦-૨૧ની સુચીત અંદાજીત આવક રૂા. ૫૦૧.૫૮ લાખ દર્શાવાઇ છે. અને ખુલતી પુરાંત રૂા. ૧૩૧૬.૩૯ લાખ મળી કુલ રૂા. ૧૮૧૭.૯૬ લાખ સાથે રૂા. ૧૧ કરોડ ૯૭ લાખના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.
આમ વર્ષના અંતે અંદાજે રૂા. ૬૨૦.૭૬ લાખની પુરાંત રહેશે. સને ૨૦૨૦-૨૧ના સ્વભંડોળ સદરમાં મુખ્યત્વે કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ જિલ્લા પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો માટે રૂા. ૨૦૦ લાખ જોગવાઇ કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ માટે ૪૮ લાખ પ્રવાસી શિક્ષકો માટે રૂા. ૪૦ લાખ સમાજ કલ્યાણ ક્ષેત્ર ગ્રામ્ય કક્ષાએ અનુસૂચિત જાતી તેમજ અન્ય પછાત વર્ગના વિસ્તારોમાં કોમ્યુનીટી હોલ માટે ૫૦ લાખની જોગવાઇ કુલ ૧૧૬.૮૦ લાખની જોગવાઇ કરાઇ છે.
ઉપરાંત સિંચાઇ ક્ષેત્રે હયાત ચેક ડેમ મરામત, નવા ચેક ડેમ બાંધવા માટે રૂા. ૧.૭૪ લાખ તથા બાંધકામ ક્ષેત્રે જિલ્લા પંચાયતના મરામત માટે ૨૪૦ લાખની જોગવાઇ કરાઇ છે. આયુર્વેદ ક્ષેત્રે રૂા. ૧.૦૫ લાખ પશુ ચિકિત્સા અને રોગચાળા નિવારણ માટે રૂા. ૧.૦૫ લાખ, પોષણ આહાર તથા દવા માટે રૂા. ૧૨ લાખની જોગવાઇ કરાઇ છે. આ ઉપરાંત જિલ્લા હેઠળની ગ્રામ પંચાયતો વચ્ચે સ્પર્ધા યોજવા કુલ ત્રણ શ્રે ગ્રામ પંચાયતોની સ્પર્ધાનું આયોજન અને પુરસ્કાર માટે રૂા. ૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાની મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન કરવાના પ્રઞ્ને ટી.ડી.ઓ.નો રિપોર્ટ અસ્પષ્ટ હોવાથી ફરિથી સ્પષ્ટ રિપોર્ટ કરવાની દરખાસ્ત રાજય સરકારમાં મોકલવાનો સામાન્ય સભામાં ઠરાવાયું હતું અને મોટી ખાવડી ગ્રામપંચાયના વિભાજનને જિલ્લા પંચાયતે ઠરાવ કરી મંજુરી આપી છે.
હવે નિર્ણય રાજયસરકારે તમામ બાબતો નિયમો અને પેરામીટરને ધ્યાનમાં રાખીને કરવાનો રહેશે, આ ઉપરાંત ગંગેશ્વર ગ્રામ પંચાયતની નવી રચના કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો જેને પણ મંજુરી મળી છે. આ બજેટ બેઠકમાં શિક્ષણ વિભાગના બે કર્મચારીઓ સામે તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. જેમાં ડી.ડી.ઓ. દ્વારા તપાસ કરવાની ખાતરી અપાઇ છે. ઉપરાંત બાંધકામ સમિતીની સતા જિલ્લા પંચાયતની સામાન્ય સભાને સોંપવાનો આશ્ચર્યજનક ઠરાવ કરી લેવામાં આવ્યો હતો.