જામજોધપુર પંથકમાં જિલ્લા બહારથી મંજૂરી વિના ઘૂસી આવેલા 44 લોકો સામે ગુનો નોંધાયો
- જામજોધપુર પોલીસે બોર્ડર કરી સીલ: ફરીથી કોઈ ભંગ કરશે તો જામનગર કોરોન્ટાઈન સેન્ટરમાં મોકલાશે
જામનગર, તા.7 મે 2020, ગુરૂવાર
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાંથી 44 જેટલા લોકો કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઘૂસી આવ્યા હતા, જે અંગેની પોલીસને જાણકારી મળતા તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ જામજોધપુર ૉની સીલ કરવામાં આવી છે. ફરીથી કોઈ ભંગ કરશે તો તેઓને જામનગરના કોરોન્ટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે.
જામજોધપુરના હોથીજી ખડબા રહેતા અશોકસિંહ વેલુભા જાડેજા ઉપરાંત જામજોધપુર તાલુકાના જુદા જુદા ગામોમાં વસવાટ કરતા 44 જેટલા લોકો કે જેઓ લોકડાઉન દરમિયાન કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના અલગ- અલગ જિલ્લાઓમાંથી જામજોધપુરમાં પ્રવેશ કરી લીધો હતો. જે અંગેની તમામ જાણકારી જામજોધપુર પોલીસે એકત્ર કર્યા પછી તમામ 44 લોકો સામે જામજોધપુર પોલીસ મથકમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. અને હોમ કોરોન્ટાઈન કરી દેવાયા છે.
જામજોધપુર પોલીસ દ્વારા સમગ્ર જામજોધપુર પંથકની બોર્ડરને સીલ કરી દીધી છે, અને ફરીથી જો કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તેઓને જામનગરની સમરસ હોસ્ટેલમા કોરોન્ટાઈન કરી દેવામાં આવશે.