જામનગર શહેરમાં આખરે વરસાદની વચ્ચે કોરોનાનું મીટર અવિરત ચાલુ : આજે વધુ 4 કેસ નોંધાયા
જામનગર, તા. 8 જુલાઈ 2020 બુધવાર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમા દિનપ્રતિદિન વધારો થતો ગયો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદની વચ્ચે પણ કોરોનાનુ મીટર અવિરત ચાલુ જ રહ્યું છે અને ગઇકાલે મોડી રાત્રે લેવાયેલા સેમ્પલમાં વધુ ચાર દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમા જબરો ઉછાળો આવ્યા છે. તેમાં વરસાદના આગમન પછી બ્રેક લાગી ન હોય તેવું લાગે છે. ગઈ કાલે જામનગર શહેરમાં સાત સહિત જિલ્લામાં 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દરમિયાન જામનગર શહેરમા આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં રહેતી ગીતાબેન રવિભાઈ નામની 25 વર્ષની યુવતીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, ઉપરાંત પટેલ કોલોની શેરી નંબર ચારમાં રહેતા કમલેશ કેશવલાલ તન્ના (49 વર્ષ) ગુરુદ્વારા પાસે જય ભવાની એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ મુકુન્દરાય દવે (ઉમર વર્ષ 62), વિકાસ ગૃહ રોડ પર પંકજ સોસાયટીમાં રહેતા રાજીવ જેન્તીભાઈ ખેતાણી (ઉંમર વર્ષ 50) સહિત ચાર નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તેઓને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા પવનચક્કી અને પટેલ કોલોની ગુરૂ દ્વારા સહિતના વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાં ભરવા તેમજ કન્ટેઇન્મેન્ટ ઝોનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 216નો થયો છે, જ્યારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 279ની થઈ છે.