Get The App

છોટીકાશી જામનગર શહેરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અનેક શિવાલયોમાં પૂજા અર્ચના

- સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતી સાથે દર્શનાર્થીઓને મંદિરોમાં અપાયો પ્રવેશ: માત્ર દર્શન કરાવ્યા

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
છોટીકાશી જામનગર શહેરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અનેક શિવાલયોમાં પૂજા અર્ચના 1 - image


જામનગર, તા. 21 જુલાઈ 2020 મંગળવાર

છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શહેરના અનેક નાના-મોટા શિવાલયોમાં શિવનાદ ગૂંજયો હતો. વહેલી સવારથી જ ભાવિકોએ શિવ મંદિરોમાં જઈ દર્શનનો લાભ લીધો હતો. 

વર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને મોટાભાગના શિવાલયોમાં પ્રવેશ દ્વાર બંધ રાખી એક પછી એક દર્શનાર્થીઓને થર્મલ ગન થી ચકાસણી કરી હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરી માસ્ક અંગેનું નિરીક્ષણ કર્યા પછી જ દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

સાથો સાથ મંદિરોમાં દર્શન માટે વર્તુળ બનાવાયા હતા, જે વર્તુળો મુજબ દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ઉપરાંત મંદિરના પરિસરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ પૂરેપૂરું જળવાયેલું રહે તે પ્રમાણે વર્તુળમાં ઉભા રખાવી દર્શન કરાવવામાં આવી રહ્યા હતા.

હાલની પરિસ્થિતિમાં શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં જલાભિષેક- રુદ્રાભિષેક સહિતની તમામ પ્રકારની પૂજા પર દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ ફરમાવાયો છે, સાથોસાથ કોઈ પૂજા સામગ્રી પણ લાવવા માટે મંદિરમાં પ્રતિબંધ ફરમાવાયો છે. ત્યારે તમામ શિવાલયોમાં દર્શનાર્થીઓને માત્ર શિવ દર્શન કરવા દેવાની છૂટ અપાઇ હતી. જે તમામ નીતિ નિયમોના પાલન કરીને દર્શનાર્થીઓએ શિવાલયમાં પ્રવેશ મેળવી શ્રાવણ માસ નો પ્રારંભ કર્યો હતો.

છોટી કાશીના સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉપસ્થિત થઈ ગયા હતા.જોકે આરતી ના સમય દરમિયાન દર્શનાર્થીઓને મંદિર પરિસરમાં પ્રવેશ અપાયો ન હતો.

Tags :