જામનગર, તા. 25 જુલાઈ 2020, શનિવાર
મૂળ હિમાચલ પ્રદેશનો વતની અને હાલ જામનગરમાં ઢિચડા રોડ પર તિરૂપતિ પાર્ક સોસાયટીમાં રહેતો દિવ્ય દયારામભાઈ ભથોઈ નામનો ૩૫ વર્ષનો પરપ્રાંતીય યુવાન કેજે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, અને ગઈકાલે પોતાની કાર લઇને ઘેરથી નીકળી ગયો હતો, દરમિયાન તેની કાર વિજરખી ડેમ પાસે મળી આવી હતી.
જેની મિત્ર વર્તુળ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી હતી, દરમિયાન આજે બપોર પછી વિજરખી ડેમ માં તેનો મૃતદેહ તરતો હોવાનું ધ્યાનમાં આવતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી ફાયર બ્રિગેડ ની ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સુપરત કર્યો છે.
પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે. મૃતક ના માતા-પિતા કે જેઓ હિમાચલ પ્રદેશમાં રહે છે તેઓને જામનગર બોલાવી લીધા છે, અને વિશેષ પૂછપરછ શરૂ કરાઇ છે. મૃતક યુવાન અપરણિત હતો. અને એકલો રહેતો હતો. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ મથામણ કરી રહી છે.


