જામનગરમાં ચા- પાન- મસાલાના વેપાર-ધંધા શરૂ નહીં થતા વ્યસનીઓ બેહાલ
જામનગર, તા. 4 મે 2020 સોમવાર
જામનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવી લેવામાં આવ્યો છે અને કેટલા વેપાર-ધંધા શરૂ પણ થઇ ગયા છે. પરંતુ ચા-પાનની લારી-ગલ્લા તમાકુ ની દુકાનો વગેરે ખોલવા પર પ્રતિબંધ હોવાથી તેના વ્યસનીઓમાં ચિંતા નું મોજુ ફરી વળ્યું છે.
જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં ચાની લારી પાન-બીડી- તમાકુની દુકાનો અને ગલ્લા વગેરે બંધ રાખવાનો આદેશ કરાયો છે. અને લોક ડાઉન-3ની અમલવારી સુધી તેના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી પાન ફાકી ખાવા વાળા અને બીડીના બંધાણીઓ ચિંતા પ્રસરી છે.
ઉપરોક્ત વસ્તુઓ મેળવવા માટે કેટલાક લોકો દ્વારા કાળા બજાર પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસે પણ અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરી મંજૂરી વિના વેપાર કરનારા કેટલાક વેપારીઓ ને પકડી પાડ્યા છે. સાથોસાથ વ્યસનના બંધાણીઓ દ્વારા ચોરી કરવામાં આવતી હોવાથી અથવા તો આવી સામગ્રીનો વેચાણ કરવા માટે પણ ચોરીના કિસ્સાઓ બન્યા હતા અને જામનગરમાં ચાર થી વધુ પોલીસ ફરિયાદ થઇ ચૂકી છે.
હજુ પણ 17 તારીખ સુધી તેના વેચાણ પર પ્રતિબંધ હોવાથી તમાકુ પાન બીડીના બંધાણીઓમાં ચિંતા પ્રસરી છે અને બેહાલ બન્યા છે.