FOLLOW US

જામનગર જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 25 નવેમ્બરથી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરાઈ

Updated: Sep 29th, 2022

 જામનગર,તા.29 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

જામનગર જિલ્લામાં આખરે ભારતીય હવામાન વિભાગ દ્વારા ૨૫મી નવેમ્બર થી વરસાદી સીઝનની સમાપ્તિ જાહેર કરવામાં આવી છે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની સિઝનનો પિરિયડ પૂરો થયો છે. જોકે આગામી ૩૧મી નવેમ્બર સુધી જામનગર જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય રહેશે.

 30 વર્ષના એવરેજ પ્રમાણે જામનગર જિલ્લામાં ચાલુ સિઝનમાં ૧૦૪.૧૭ ટકા વરસાદ નોંધાયો છે, અને છેલ્લા ૩૦ વર્ષની એવરેજ ના ભાગરૂપે ૭૨૯ ઇંચ વરસાદ થયો છે.

 જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસુ સત્ર થોડું મોડું શરૂ થયું હતું, અને પ્રારંભિક છૂટો છવાયો વરસાદ થયા પછી છેક ભાદરવો માસ પણ ભરપૂર રહ્યો હતો, અને ચાલુ વરસાદી સીઝનમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૪.૧૭ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના જોડીયામાં નોંધાયો છે, અને ફુલ ૧૪૩.૪૦ ટકા વરસાદ પડ્યો છે, તે જ રીતે જામનગર જિલ્લાના લાલપુરમાં સૌથી ઓછો ૭૪.૪૯ ટકા વરસાદ નોંધાયો છે. શહેરમાં પણ ચાલુ સીઝનમાં ૮૮.૬૦ ટકા વરસાદ નોંધાયો છે.

 જામનગર જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષની એવરેજ કાઢવામાં આવે તો પ્રતિ વર્ષની ૭૦૦ ઇંચ ની એવરેજ છે, જેની સામે જામનગર જિલ્લામાં આ વખતે વધારે વરસાદ નોંધાયો છે, અને કુલ ૭૨૯ ઈંચ વરસાદ પડી ગયા ના અહેવાલો મળ્યા છે.

 જળાશયોની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકી ૨૦ થી વધુ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. અમુક જળાશયોમાં પાણી નો જથ્થો પર્યાપ્ત માત્રામાં ન હોવાથી 'સૌની' યોજના હેઠળ પાણી ઠાલવવામાં આવી રહયું છે. ઉપરાંત બાકી રહેલા અનેક ચેક ડેમો પણ 'સૌની, યોજનાથી ભરવામાં આવી રહ્યા છે. એકંદરે જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન પ્રતિવર્ષ કરતાં વધારે રહી છે.

Gujarat
English
Magazines