Jamnagar

શેઠવડાળાના ગાંગણપાટ ડેમમાં ગેરકાયદે ખનન ઝડપાયું: બે જેસીબી અને પાંચ ટ્રેક્ટર સહિત રૂ. 95 લાખનો મુદ્દામાલ કબજે

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે કાર્યવાહી કરતા, શેઠવડાળા પોલીસે ગાંગણપાટ ડેમમાંથી માટીનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડો પાડી 2 JCB મશીન અને 5 ટ્રેક્ટર સહિત કુલ રૂ. 95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી કરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ સુપરત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેઠવડાળાના ગાંગણપાટ ડેમમાં ગેરકાયદે ખનન ઝડપાયું: બે જેસીબી અને પાંચ ટ્રેક્ટર સહિત રૂ. 95 લાખનો મુદ્દામાલ કબજે

Jamnagar: જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે આવેલા ગાંગણપાટ ડેમમાં ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ થતું હોવાનું સામે આવ્યું છે. શેઠવડાળા પોલીસે સ્થળ પર દરોડો પાડીને બે જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટર મળી કુલ રૂ. 95 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ વરજાંગભાઈ કાનાભાઈ કટારાને બાતમી મળી હતી કે શેઠવડાળા ગામના ગાંગણપાટ ડેમમાં કેટલાક શખસો દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર તપાસ કરતાં ડેમમાંથી બે જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટર દ્વારા માટીનું ખોદકામ થતું હોવાનું મળી આવ્યું હતું.

પોલીસે કુલ રૂ. 95 લાખનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જામનગર ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ પણ સુપરત કરવામાં આવ્યો છે.