દિવાળી વેકેશન પૂર્વે હાપા યાર્ડમાં મગફળીની ધૂમ આવક: એક જ દિવસમાં 250 વાહનોમાં 17 હજાર ગુણીની આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મગફળીના પોષણક્ષમ ભાવ મળતા હોવાથી યાર્ડમાં આવકનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન દિવાળીના તહેવારો નિમિત્તે સાતમી નવેમ્બરથી તેરમી નવેમ્બર સુધી યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હોવાથી વેકેશન પૂર્વે ખેડૂતોએ મગફળીનો જથ્થો ઠાલવવા ભારે ધસારો કર્યો હતો.
ગઈકાલે એક જ દિવસમાં મગફળી ભરેલા આશરે 250 વાહનો મારફતે અંદાજે 17 હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. આવકમાં થયેલા ભારે વધારાને પગલે યાર્ડના સેક્રેટરી દ્વારા મગફળીની નવી આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
હાપા માર્કેટિંગ યાર્ડ આજે તા. 5 અને આવતીકાલે તા. 6 નવેમ્બરના રોજ ચાલુ રહેશે. ત્યારબાદ તા. 7થી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશનને કારણે યાર્ડમાં રજા રહેશે. હાલ યાર્ડમાં આવી ગયેલા મગફળીના જથ્થાની હરાજી અને વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. વેકેશન બાદ તા. 14 નવેમ્બરથી યાર્ડની કામગીરી ફરી શરૂ થયા બાદ નવી મગફળીની આવક અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે અને રજા બાદ નવી જાહેરાત મુજબ આવક શરૂ કરવામાં આવશે.




