દરેડમા કોરોના સંક્રમિત મહિલાના સંપર્કમા આવેલી 19 વ્યક્તિઓને હોમ ક્વૉરેન્ટાઈન કરાઈ
જામનગર, તા. 8 મે 2020, શુક્રવાર
જામનગરમાં નજીક દરેડમાં રહેતી એક યુવતી કે જે ખંભાળીયાના નાના આંબલા ગામે પોતાના પિતાના ઘેરથી મસિતિયા આવી હતી. અને મસીતીયામાં તેણીનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને હાલ જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને તેના સંપર્કમાં આવેલા 19 વ્યક્તિઓના સેમ્પલો લેવાયા છે. અને તમામને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મસીતીયા ઘાર વિસ્તારમાં આરોગ્યને લગતી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મસીતીયામાં રહેતી શહેનાઝ નુરમામદ ખફી નામની 28 વર્ષીય મહિલા કે જે ખંભાળિયાના નાના આંબલા ગામથી પોતાના પિતાના રીક્ષા છકડામાં બેસીને મસીતીયા આવી હતી. જે કોરોના વાયરસથી સંક્રમિત હતી, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની શહેનાઝબેન ખફી અને તેના પિતા હુસેનભાઇ સામે ગુનો નોંધાયા પછી હાલ શહેનાઝબેનને જી જી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના મસીતીયા ધાર વિસ્તારમા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટુકડીએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં શહેનાઝબેન અલગ અલગ 19 વ્યક્તિઓના સંપર્કમાં આવી હોવાથી તે તમામ 19 લોકોને શોધવામા આવ્યા છે. અને તેઓને હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ તમામના સેમ્પલો પણ લેવાયા છે. આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ આરોગ્ય વિષયક પગલાં ભરવામાં આવી રહ્યા છે.