જામનગરના ગુલાબનગરમાં જૂની અદાવતમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક પાસે જૂની અદાવતના કારણે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. આશરે પાંચ વર્ષ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાનને ગાળો ભાંડી, ડાબી આંખ પાસે મુક્કો મારી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અરબાજ જમાન અયુબખાન બ્લોચ (ઉં.વ. 28) ગત તા. 19 ઑક્ટોબરની રાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર લઈને ગુલાબનગર પાસે સોનલ ફર્નિચર નજીક પહોંચ્યા હતા. તે દરમિયાન નીલેશ ઉર્ફે નીલીયો કુંજરીયા, મોઈન બસર વાઘેર તથા અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા.ફરિયાદ મુજબ, નીલેશે આશરે પાંચ વર્ષ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને અરબાજને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. યુવકે ગાળો આપવાની ના પાડતાં નીલેશે તેમના ડાબા આંખના ભાગે મુક્કો માર્યો હતો. આ દરમિયાન મોઈન વાઘેર તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ યુવાને પરિવારજનો સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.આ અંગે સિટી બી-ડિવિઝન પોલીસે નીલેશ ઉર્ફે નીલીયો કુંજરીયા, મોઈન બસર વાઘેર તથા બે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




