જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડની કોલોનીમાંથી બે મહિલા સહિત ચાર જુગારીઓ પકડાયા
- ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાંથી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ : સાત આરોપી પકડાયા: અન્ય ચાર ફરાર થયા
જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર
જામનગર જિલ્લાના ધ્રોળ અને ધુંવાવમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલી બે મહિલા તથા બે પુરુષોને તેમજ ઘોડી પાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી લીધા છે, જયારે ચાર શખ્સો નાસી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં જુગાર રમી રહેલી મંજુબેન લખૂભાઈ સાડમીયા, જશીબેન લખુભાઈ સાડમિયા, સંજય ભરતભાઈ ચૌહાણ, અને વિજયસિંહ ભીખુભા જાડેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,400 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો ધ્રોળ નજીક લૈયારા ગામની સીમ વિસ્તારમાં યાસીન ઉર્ફે મોટો હાજીભાઈ ખેરાણીની વાડીની બાજુમાં જાહેર ખરાબમાં પાડ્યો હતો.
ત્યાંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા નજીર વલીભાઈ ખેરાણી, કમલેશ જયેશભાઈ ઉપાધ્યાય, ઇકબાલ પુંજાભાઈ ખફી, ભરત રણમલભાઈ મોઢવાડિયા, મુસ્તાક ઉર્ફે ડાડો ગરીબશાહ ફકીર, સુનિલ જ્ઞાનચંદભાઈ લાલવાણી, તેમજ અલારખા હાજીભાઈ બાબવાણી વગેરે સાત આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 27,550 ની રોકડ રકમ, 4 મોબાઈલ ફોન, બે વાહનો વગેરે સહિત કુલ 2,23,500 ની માલમતા કબજે કરી છે.
આ દરોડા સમયે યાસીન ઉર્ફે મોટો હાજીભાઈ ખેરાણી, સબીર અબ્બાસભાઈ સુમરા, ઈસુબ ગુલમામદ અને મનીભાઈ જામનગર વગેરે ભાગી છૂટયા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.