- યુવતીના બીજે લગ્ન નક્કી કરનાર પિતાને આરોપીએ ધસી આવી પુત્રીના પોતાની સાથે જ લગ્ન કરાવવા માટે ધાક-ધમકી આપી
જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા બે ભાઈઓએ પોત પ્રકાશ્યું છે, અને પોતાની જ્ઞાતિની જ એક યુવતી કે જેના બે મહિના પછી લગ્ન યોજાવાના છે, ત્યાં લગ્ન નહીં કરાવી પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરનાર એક શખ્સ અને તેના ભાઇ સામે સિક્કા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે બંને ભાઈઓની અટકાયત કરી લઈ કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના પિતા દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરાઇ હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા અમૃતલાલ લાલજીભાઈ નકુમ નામના 46 વર્ષના ખેડૂતે છરી અને ધોકા જેવા હથિયારો સાથે ધસી આવેલા અને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે આમરા ગામના જ સુરેશ ગોરધનભાઈ નકુમ અને તેના ભાઈ મનસુખ ગોરધનભાઈ નકુમ સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે બન્ને ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે, પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીની પુત્રી કે જેના લગ્ન આજથી બે મહિના પછી યોજાવા જઇ રહ્યા છે, પરંતુ આરોપી સુરેશ ગોરધન નકુમ કે જેને અમૃતભાઈની પુત્રી સાથે લગ્ન કરવા હોવાથી તે લગ્ન અટકાવવા માટે અને પોતાની સાથે પુત્રીને પરણાવવા માટે દબાણ કરી ધાક ધમકી આપી હતી.
પરંતુ સુરેશ કોઈ કામ ધંધો કરતો નથી તેમજ ખૂબ જ મોટી ઉંમરનો છે. અને તેનો ભાઈ કે જે બંને કુંવારા છે, અને બેકાર જીવન જીવે છે. જેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી. ઉપરાંત બંને એક જ જ્ઞાતિના હોવાથી પણ લગ્ન થઈ શકે તેમ નથી તેવું કહેતા બંને સખ્શો ઉશ્કેરાઇ ગયા હતા. જેઓ સ્કૂટર પર આવીને છરી-ધોકા વડે હુમલો કરવાની કોશિશ કરતાં અન્ય ગ્રામજનોએ બચાવી લીધા હતા, અને સમગ્ર મામલો સિક્કા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.


