જામનગર: કોરોના વાયરસની દહેશતના પગલે તમામ ગુજરી બજારો બંધ કરાવાઈ
જામનગર, તા. 17 માર્ચ 2020 મંગળવાર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને લઇને તમામ પ્રકારના ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જાહેર સ્થળોએ એકથી વધુ લોકો એકત્ર થતા હોય તે પ્રકારની જામનગર શહેરમાં જુદી જુદી સાત જેટલી ગુજરી બજારો બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને એસ્ટેટ શાખા દ્વારા તમામ સ્થળે બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરમાં રંગમતિ નદીના પટમાં ઉપરાંત હાથી કોલોની, મિગકોલની, રણજીત નગર, સાધનાકોલોની અને ગોકુલ નગર સહિતના જુદા જુદા સાત વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ ગુજરી બજાર ભરાય છે અને તમામ સ્થળોએ અનેક લોકો એકત્ર થાય છે.
જે તમામ સ્થળો પર ભરાતી ગુજરી બજાર કોરોના વાયરસની દહેશતના પગલે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તમામ ગુજરી બજારો બંધ કરાવવામાં આવી રહી છે અને ધંધાર્થીઓને જગ્યા ખાલી કરવામાં આવી રહી છે.