જામનગરમાં વ્રતધારી બહેનો દ્વારા દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરાઈ
- તળાવની પાળે મોટી સંખ્યામાં વૃતધારી બહેનોએ પૂજા અર્ચના કરી મૂર્તિનું વિસર્જન કર્યું
- જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાર ટ્રેક્ટર માં 1500થી વધુ મૂર્તિ અને પૂજા સામગ્રી નું બાલાચડીના દરિયામાં વિસર્જન કરાયું
જામનગર, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
જામનગર શહેરમાં પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ શ્રાવણ સુદ દસમના દિવસે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ચાલેલા વ્રત પછી ગઈ કાલે મોડી રાત્રે જામનગર શહેરના અનેક વ્રતધારી બહેનો દ્વારા વાજતે ગાજાતે લાખોટા તળાવના પાછળના ભાગમાં લાવવામાં આવી હતી અને ત્યાં પૂજા વિધિ સંપન્ન કર્યા પછી મૂર્તિનું તળાવને બદલે દરિયામાં વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના 16 જેટલા સફાઈ કામદારો ની ટુકડી 4 ટ્રેક્ટર સાથે હાજર રહી હતી અને રાત્રીના 12 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દશામાની 500થી વધુ નાની મોટી મૂર્તિઓ આવી હતી. જે તમામ મૂર્તિઓને વાહનોમાં એકત્ર કરી સાથોસાથ તમામ પૂજા સામગ્રી પણ ટ્રેક્ટરમાં ભરીને બાલાચડીના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગઇકાલે મોડી રાત્રે અનેક વ્રતધારી બહેનો દ્વારા માતાજીના ગુણગાન ગાતા ગાતા તળાવની પાળના સી અને ડી વિભાગ પાસે ફૂટપાથ પર આવીને પૂજન અર્ચન કરાયું હતું. જો કે કેટલાક સ્થળે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો, પરંતુ તમામ બહેનોએ ઉત્સાહભેર પૂજન અર્ચન કરીને દશામા ના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી.