Jamnagar

જામનગરની ટપાલ કચેરીઓના સાયબર ફ્રોડનો આંકડો 98 લાખે પહોંચ્યો

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ટપાલ કચેરીઓમાં બેનામી ખાતા ખોલી 98 લાખનો સાયબર ફ્રોડ થયો છે. બેંગ્લોરના કેસની તપાસમાં આ કૌભાંડ ખુલ્યું. હવાઈ ચોક શાખામાં પણ 10 લાખથી વધુની ગેરકાયદે હેરફેર થઈ છે. આ પ્રકરણમાં 9 જેટલા પોસ્ટલ કર્મચારીઓને પોલીસે પૂછપરછ માટે સમન્સ પાઠવતા ચકચાર મચી છે. અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની ટપાલ કચેરીઓના સાયબર ફ્રોડનો આંકડો 98 લાખે પહોંચ્યો

જામનગર : જામનગરની ટપાલ કચેરીઓમાં બેનામી ખાતા ખોલાવી કરાયેલા સાયબર ફ્રોડનો આંકડો ૯૮ લાખ સુધી પહોંચી ગયો છે. પોસ્ટલ કર્મીને જ સંડોવતા આ પ્રકરણમાં હવાઇ ચોક શાખામાં પણ આ રીતે જ લાખો રૂપિયાની અનઅધિકૃત હેરફેર થઇ હોવા અંગે તપાસ હાથ ધરાઇ છે. આ પ્રકરણમાં જુદી-જુદી ટપાલ કચેરીઓના નવ જેટલા કર્મચારીઓને પોલીસે સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવતાં ટપાલ કચેરી વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.
બેંગ્લોરમાં થયેલા સાયબર ફ્રોડ કેસની તપાસમાં ખુલેલા જામનગર ટપાલ કચેરીના આ ચકચારજનક કેસમાં જે-તે સમયે ટપાલકર્મી આફતાબ માડકીયા સામેની ખાતાકિય તપાસ કરનાર તત્કાલીન અધિકારીઓએ તપાસનો જે અહેવાલ તૈયાર કર્યો છે, તે બાબતમાં પોલીસ તપાસ કરે તો ઘણી જ ગંભીર બાબતો સામે આવે તેમ છે. રેલો અધિકારીઓ સુધી પણ પહોંચે તેમ હોવાથી આ પ્રકરણમાં જવાબદાર સામે ખાતાકિય પગલાં લેવામાં જામનગર ટપાલ કચેરી વર્તુળના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે.
આ કેસની તપાસના કામે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને જામનગરની જુદી-જુદી ટપાલ કચેરીઓમાં ફરજ બજાવતાં નવ જેટલા કર્મચારીઓને પુછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવતા ટપાલ કચેરી વર્તુળમાં ચર્ચા જાગી છે. પોલીસ તપાસ દરમીયાન શહેરની હવાઇ ચોક સ્થિત ટપાલ કચેરીમાં પણ આ પ્રકારે જ રૂા.૧૦ લાખથી વધુ રકમના નાણાંકિય વ્યવહારો કરી સાયબર ફ્રોડ કરવામાં આવ્યાનું ખુલ્યું છે. અને અત્યાર સુધીની તપાસમાં આ આંકડો કુલ ૯૮ લાખ ૫૬ હજાર સુધી પહોંચી ગયો છે. આ નાણાં ઉપાડનારાઓએ તેનું શું કર્યું તે પણ તપાસનો મુદ્દો છે.