જામનગરમાં શ્રમિકોના ટોળા રાશન માટે રોડ ઉપર ઉતરી પડતા અફડાતફડી
- ભુખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે તો ભસ્મકણિ ન લાધશે
- ગોકુલનગર અને મયુરનગર વિસ્તારનાં શ્રમિક પરિવારો રાશન ખલાસ થઈ જતાં આક્રોશ, ઘઉં,ચોખા સહિતનો જથ્થો નહીં મળતા અનેક પરિવારો ભુખ્યા રહેતા હોવાની ફરિયાદ
જામનગર, તા.23 એપ્રિલ 2020,ગુરુવાર
જામનગરના ગોકુલ નગર નજીક મયુરનગર સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા શ્રમજીવીઓના પરિવારના બસોથી પણ વધુ લોકો મહિલાઓ સહિત ટોળા સ્વરૂપે માર્ગ પર ઉતરી આવ્યા હતા, અને પોતાની પાસે કોઈ પ્રકારનું રાસન ન હોવાનું જણાવી જિલ્લા કલેક્ટરની કચેરીએ રજૂઆત કરવા નીકળી પડયા હતા.
આ મામલે પોલીસને જાણ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પોલીસ વડા સહિત નો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો મહિલા પોલીસ સહિતની પોલીસની જુદીજુદી ટુકડીને ગોકુલનગર વિસ્તારમાં ઉતારી દેવામાં આવી હતી અને તમામને રોકી લઈ ભારે સમજાવટ કર્યા પછી ઘરે જવા દેવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા કલેકટર કચેરીમાંથી પણ પુરવઠા વિભાગના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામને રાસન કિટ મળી જશે તેવી ખાતરી આપ્યા પછી મામલો થાળે પડયો હતો.
લોક ડાઉન ની અમલવારી ચાલી રહી છે, જે દરમિયાન એકીસાથે ૨૦૦થી વધુ લોકો ટોળા સ્વરૂપે એકત્ર થઈ જતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ નો પરિવાર વસવાટ કરે છે જેઓની પાસે અત્યાર સુધીનું તમામ રાસન ખલાસ થઈ જતાં પરિવાર ભૂખ્યો રહ્યો છે તે મામલે રજૂઆત કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. વહીવટીતંત્ર સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરી રહ્યું છે.