જામનગરમાં કોરોના વિસ્ફોટ : એક જ દી'માં સાત કેસ પોઝીટીવ
- મુંબઈથી માંગરોળ આવેલી મહિલાને પણ કોરોના
- સમરસ હોસ્ટેલમાં જે બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેના માતા-પિતા, ભાઈ-બહેન સહિત પાંચ તેમજ અન્ય બે વ્યક્તિનાં રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ
જામનગર, જૂનાગઢ, તા 19 મે 2020, મંગળવાર
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં આજે સવારે આવેલા સેમ્પલો પૈકી બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સાંજે વધુ પાંચ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવતા આજે જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના ૭ પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જ્યારે માંગરોળમાં મુંબઈથી આવેલી એક મહિલાનો ટેસ્ટ કરાવાતા તેને પણ કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.
જામનગર નજીક સમરસ હોસ્ટેલમાં રખાયેલા લોકો પૈકી બે પુરુષ કોરોનાવાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જામનગરની સરકારી જી.જી હોસપીટલની લેબોરેટરીમાં ગઈકાલે રાત્રે લેવાયેલા સેમ્પલો પૈકી ૩૭ વર્ષના એક પુરુષ તેમજ ૪૦ વર્ષના એક પુરુષનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જે બંને દર્દીઓ બહારગામથી આવ્યા હતા અને કોરેન્ટાઈન કરીને રખાયા હતા. જામનગરમાં પ્રવેશ કરે તે પહેલા જ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી જામનગરમાં કોઈ તેઓના સંપર્કમાં હજુ સુધી આવ્યું નથી.જીલ્લામા કુલ દર્દી નો આંક ૩૭ નો થયો છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઈકાલે કોરોના સંક્રમિત બનીને દાખલ થયેલા લક્ષ્ય નામના ત્રણ વર્ષના બાળકનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝેટીવ આવ્યા પછી બાળકના પરિવારના ચાર સભ્યોને હોમ કોરેન્ટાઈન કરાયા હતા અને તમામના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે પૈકી બાળકના પિતા સુનિલ ભટ્ટી, માતા ભાવિકાબેન ભટ્ટી મોટાભાઈ હર્ષદ અને મોટી બહેન ઇશિતા ભટ્ટી ચારેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાથી તાત્કાલિક અસરથી તમામને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગરમાં સરુ સેક્શન રોડ રામનગર વિસ્તારમાં રહેતા અબ્દુલ વહાબ નામના દસ વર્ષના બાળકનું ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે બાળકનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે બાળકને સારવાર જી જી હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઉપરાંત બાળકના માતા-પિતા તેમજ જે કારમાં ટ્રાવેલિંગ કર્યું હતું તે કારના ડ્રાઈવર સહિત અન્ય ત્રણને તાત્કાલિક સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે અને તેઓના પણ સમ્પલો લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હવે પછી જાહેર થશે.
માંગરોળ તાલુકાના ઝરીયાવાડા ગામમાં ગત તા.૧૪ના ઝાહીદાબેન યુસુફખાન બેલીમ (ઉ.વ.૩૪) મુંબઈથી આવ્યા હતા અને હોમ ક્વોરન્ટાઈન હતા. ગત તા.૧૭ના તેઓના સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતા. જેનો આજે કોરોના પેાઝીટીવ રિપેાર્ટ આવ્યો હતો. આથી આરોગ્યતંત્રએ તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી હતી. જ્યારે તંત્ર દ્વારા ઝરીયાવાડાને કન્ટેન્ટમેન્ટ જાહેર કરવા તજવીજ હાથ ધરાઈ હતી. જૂનાગઢ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૧૨ પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાંથી ચાર ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલ આઠ દર્દી સારવાર હેઠળ છે. જિલ્લામાંથી લેવાયેલા કુલ ૨૨૫ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જ્યારે હજુ ૪૫૯ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે.
ગઈકાલે ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં બે મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આજે કલેક્ટરને રાણપુર ગામને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યો હતો.