મૂળી તાલુકાના આસુંદ્રાણી ગામે કોરોના પોઝિટીવ મહિલા અને તેના પતિ સામે જાહેરનામા ભંગની ફરિયાદ
- ગામમાં ચકલુંય ન ફરકી શકે એવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સરા, તા. 11 મે 2020, સોમવાર
મૂળી તાલુકાના આસુંદ્રાણી ગામે કોરોના પોઝિટિવ કેસ આવતાં અમદાવાદથી ગેરકાયદે રીતે આવવા મામલે પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા પંથકમાં સર્વે કરવામાં આવતાં આસુંદ્રાણી ગામે રહેતા ગલાલબેન કાનાભાઇ બોચીયા અને જયદીપ કનુભાઇ બોચીયા અમદાવાદ ખાતેથી પરત ફર્યાનું જણાઈ આવ્યું હતું.
કાનાભાઇ વાલાભાઇ બોચીયા તેમની પત્ની ગલાલબેન અને ભાણેજ જયદીપને તેમની દિકરીના ઘરે અમદાવાદ મૂકી આવ્યા હતા. લોકડાઉન વધતાં તેઓને પરત આસુંદ્રાણી પરત લાવ્યા હતા.
વગર પરમીટે પરત ફરેલા દપંતી સામે લોકડાઉનનો સરેઆમ ભંગ કરી પ્રવેશબંધી હોવા છતાં અન્ય જિલ્લામાંથી પ્રવેશ કરી પોતાના કૃત્યથી જાહેર જનતાનું આરોગ્ય જોખમમાં મૂકવા તથા કોરોના વાયરસ સંક્રમણથી થતો હોવાનું જાણવા છતાં જાહેરનામાનો ભંગ કર્યા અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ગલાલબેન અને તેમના ભાણેજ જયદીપનો રિપોર્ટ પોઝિટીવ આવતાં સમગ્ર વહીવટીતંત્રમાં દોડધામ મચી હતી. પોલીસે પણ ગામમાં ચકલું ન ફરકી શકે એવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.