જામનગરના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં બાળમજૂરી કરાતી હોવાનું સામે આવતાં ફરિયાદ

- શ્રમ આયુક્ત અધિકારીની તપાસ દરમિયાન એક કારખાનામાંથી 14 વર્ષથી નાની વયના બે બાળકો મજુરી કરતાં મળી આવ્યા
જામનગર તા ૨૩,
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શ્રમ આયુક્ત અધિકારી ની રાહબારી હેઠળ રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક કારખાના માંથી બાળમજૂરી કરાતી હોવાનો કિસ્સો ધ્યાનમાં આવ્યો હતો, અને ૧૪ વર્ષથી નાની વયના બે બાળક પાસે બાળમજૂરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી કારખાનેદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરની શ્રમ આયુક્ત ની કચેરી ના શ્રમ અધિકારી શ્રી. ડી.ડી. રામી ની આગેવાનીમાં રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા દરેડ જીઆઇડીસી વિસ્તાર જુદા જુદા પાંચથી વધુ કારખાનાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને બાળ મજુરી અંગેની ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જે ચેકિંગ દરમિયાન રાજ એન્ટરપ્રાઇઝ નામના એક કારખાનામાંથી ૧૪ વર્ષથી નાની વયના બે બાળકો હાજર હતા, અને તેઓ પાસેથી બાળમજૂરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી બન્ને બાળકોનો કબજો મેળવી લઈ સમાજ સુરક્ષા ખાતા હેઠળના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા, ઉપરાંત શ્રમ અધિકારી ડો. ધ્વનિ રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં રાજ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાના માલિક પ્રિતેશભાઇ ગિરધરભાઈ વૈષ્ણવ સામે ફરિયાદ નોંધાવતાં તેની સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૩ મુજબ ગુનો નોંધ્યો છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ દરોડાને લઈને બાળ મજૂરી કરાવતા કારખાનેદારો માં ફફડાટ મચી ગયો છે. બંને બાળકોના વાલી ને બોલાવીને ફરીથી મજુરી કામે મોકલશે નહી, તેવી પણ બાહેંધરી લખાવી લેવામાં આવી રહી છે.




