Get The App

જામનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીનો પ્રારંભ

- બોલાવાયેલા 255 ખેડુતો પૈકી 61 ખેડૂતો આવ્યા: લાલપુરમાં એક માત્ર ખેડૂત આવ્યો: જોડીયામાં હવે થશે કાર્યવાહી

Updated: Apr 26th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીનો પ્રારંભ 1 - image

જામનગર, તા.27 એપ્રિલ 2020, સોમવાર 

જામનગર જિલ્લામાં આજથી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીનો પ્રારંભ થયો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ઉપરાંત જિલ્લાના અન્ય માર્કેટીંગ યાર્ડોમાં ઘઉંની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે કુલ 255 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી 61 ખેડૂતો આવ્યા છે. અને તેઓની ઘઉંની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. લાલપુરમાં એકમાત્ર ખેડૂત ઘઉં વેચવા આવ્યો હતો. જ્યારે જોડીયામાં હજુ પ્રારંભ થયો નથી અને 1 તારીખથી પ્રારંભ થશે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે પુરવઠા તંત્ર તેમજ પોલીસ તંત્ર ની હાજરીમાં સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે ઘઉંની હરાજીનો પ્રારંભ થયો હતો. હાપા માર્કેટિંગ યાર્ડ માં કુલ 1,300 ખેડૂતો નોંધાયા છે, તે પૈકી આજે પ્રથમ દિવસે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જે પૈકી 25 ખેડૂતો આવ્યા હતા. અને તેઓના ઘઉંની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 343થી 375 રૂપિયા 20 કિલોના ભાવ નક્કી થયા હતા. 15થી વધુ વેપારીઓ કમિશન એજન્ટ વગેરે હાજર રહ્યા હતા જે તમામને પણ સોશિયલ ડિસ્ટનસમા ઉભા રખાયા હતા. અને હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

તેજ રીતે જામનગર જિલ્લાના ધ્રોલમા નોંધાયેલા 160 ખેડૂતો પૈકી 40 ખેડૂતોને બોલાવ્યા હતા, અને જેમાં 9 ખેડૂતો હાજર રહ્યા હતા. જેઓને 295થી 365 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીનો પ્રારંભ 2 - imageકાલાવડ માર્કેટિંગ યાર્ડમાં 350 ખેડૂતો નોંધાયા છે, જે પૈકી પ્રથમ દિવસે 25 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી 12 ખેડૂતો આવ્યા હતા અને તેઓના 318થી 335 રૂપિયાના ભાવે ઘઉંની હરાજીની પ્રક્રિયા પૂરી થઈ હતી.

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 550 ખેડૂતો નોંધાયા છે જે પૈકી પ્રથમ દિવસે 50 ખેડૂતોને બોલાવાયા હતા, તે પૈકી 14 ખેડૂતો આવ્યા હતા અને તેઓના ૩૫૫ રૂપિયાના ભાવે હરાજીની પ્રક્રિયા પૂરી થઈ હતી.

લાલપુરમાં 180 ખેડૂતો નોંધાયા છે. જે પૈકી પ્રથમ દિવસે 40 ખેડૂતોને બોલાવાયા હતા. પરંતુ એકમાત્ર ખેડૂત હાજર રહ્યો હતો અને 275 રૂપિયાના ભાવે ઘઉંનું વેચાણ થયું હતું.

જોડીયા માર્કેટિંગ યાર્ડમાં નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ નથી. અને 1 તારીખથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે.

Tags :