જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી બોગસ મહિલા કર્મચારીની અટકાયત
જામનગર, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે ગૌરીબેન ચાવડા નામની એક મહિલા કે જે હાલમાં જીજી હોસ્પિટલની કર્મચારી ન હોવા છતાં ફરજ પર હાજર હતી. અને પોતાના ખંભે પાસ લગાવી એક્સ-રે વિભાગમાં દર્દીઓને આડેથી વારો લેવડાવતી હતી.
જે અંગે સિક્યુરિટી વિભાગના સ્ટાફને ધ્યાન મા આવતા તેમણે મહિલાને પૂછપરછ કરી હતી જેમાં ગૌરીબેને યોગ્ય ખુલાસો ન કર્યો જેથી તેને તબીબો પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ઉંડાણપૂર્વકની પૂછપરછ માં પોતે અગાઉ જી જી હોસ્પિટલમાં ફરજ બજાવી ગઇ હોવાનું જણાવ્યું હતું.
અગાઉ ખાનગી કંપની ના કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મેળવ્યા પછી તેણીને છૂટી કરી દેવાતા પાસ જમા કરાવ્યો ન હતો. જેનો દુરુપયોગ કરીને ફરીથી હોસ્પિટલમાં આવતી હતી. અને દર્દીઓ પાસે પૈસા પડાવવાનો પ્રયત્ન કરી રહી હોવાનું માલુમ પડ્યું હતું.
આ સમગ્ર બનાવ પછી પોલીસને જાણ કરી દેવાતા પોલીસની ટુકડી જી.જી.હોસ્પિટલમાં આવી ગઈ હતી અને ગૌરીબેન નો કબજો સંભાળી પોલીસ મથકે લઇ ગયા છે. અને તેની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.