Get The App

જામનગર જિલ્લા પંચાયત કચેરીમાં બે હેલ્પવર્કરોનો આત્મવિલોપનનો પ્રયાસ

- ચાર યુવકોની ચીમકીના પગલે ચૂસ્ત બંદોબસ્ત

- મલ્ટીપર્પઝ હેલ્થવર્કરની ભરતી બાદ હજુ સુધી નોકરી નહીં મળતા આત્મવિલોપન કરવા પહોંચેલા બંને યુવકોની અટકાયત

Updated: Feb 27th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લા પંચાયત કચેરીમાં બે હેલ્પવર્કરોનો આત્મવિલોપનનો પ્રયાસ 1 - image


જામનગર,તા.27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં આજે આત્મવિલોપન કરવા માટે આવેલા બે મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ના બે યુવાનોએ પોતાને નોકરી નહીં મળતા આત્મવિલોપન કરવા પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે બંનેની અટકાયત કરી લીધી છે. અને ડી.ડી.ઓ. સાથે મુલાકાતનો દોર ગોઠવવામાં આવ્યો હતો. કુલ ચાર યુવકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેમાં આજે સવારે બે યુવકો આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા પોલીસ- ફાયર- એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા બંદોબસ્ત માટે ગોઠવાઇ હતી.

 આ અંગેની વિગત એવી છે કે જામનગર જિલ્લા પંચાયતમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ની ભરતી માટે સિલેક્ટ થયેલા કેટલાક યુવાનોને હજુ સુધી નોકરી નહીં મળતા પોતાને નોકરી મળી જાય તે માટે અનેકવાર અરજીઓ કરી હતી. પરંતુ તેઓને નોકરી મળી ન હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અભિષેક પરમાર જૂનાગઢના ભાવેશ ચાંદરડા, ધ્રોલના સાવન ગોસ્વામી અને મોટા કાલાવડ ગામ ના વિમલ ગઢીયા વગેરે આગામી ૨૭ તારીખ સુધીમાં નોકરી નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ તેઓને આજદિન સુધી નોકરી મળી નથી.

દરમિયાન આજે જામનગર જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઉપરાંત ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરમિયાન આજે સવારે વિમલ ગઢીયા અને સાવન ગોસ્વામી નામના બે હેલ્થ વર્કરો હાજર થયા હતા. જ્યારે અભિષેક પરમાર ના લગ્ન હોવાથી હાજર રહ્યો હતો. જ્યારે ભાવેશ ચાંદરડા પણ જુનાગઢ થી પહોંચી શક્યો ન હતો.

 દરમિયાન હાજર રહેલી પોલીસ ટીમે બંને યુવકોની અટકાયત કરી લીધી હતી. અને જિલ્લા વિકાસ અધિકારી સાથે તેની વાતચીત કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યાં સુધી બંને યુવકોને પોલીસની અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેઓ આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જ બંનેની અટકાયત કરી લેવાઈ હતી. આ કાર્યવાહીથી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

Tags :