જેલમાં રહેલા શખ્સને મળવા ગયો તેના મનદુઃખમાં યુવાન પર પૂર્વ મિત્રનો હુમલો
- જામનગર, પોરબંદર, પંથકમાં મારામારીના 4 બનાવો
- જૂની અદાવત, મિલ્કત બાબતે અને રૂપિયાના હિસાબના મનદુઃખમાં 3 સ્થળોએ મારામારી
જામનગર,પોરબંદર,15 માર્ચ 2020 રવિવાર
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં તેમજ મોહન નગર વિસ્તારમાં મારામારીના બે બનાવો બન્યા છે. અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. તેઓને જી જી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. પોલીસે બન્ને પ્રકરણમાં મારામારી અગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોરબંદરમાં પણ મારામારીના ૨ બનાવો નોંધાયા છે.
જામનગરમાં પ્રથમ બનાવ ગુલાબનગર નજીક મોહનનગરના ઢાળીયા પાસે બન્યો હતો. જ્યાં રહેતા પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ નામના ૩૦ વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે રોહીત વાઘેલા નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે. જ્યારે ઈજાગ્રસ્તને જી જી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.ફરિયાદી યુવાન અને આરોપી અગાઊ મિત્ર હતા અને ફરિયાદી અને તેનો બીજો મિત્ર વિમલ વગેરે જેલમાં રહેલા એક આરોપીને મળવા જતા આરોપી રોહિતને માઠુ ેલાગ્યું હતું. જેલમં રહેલા શખ્સ દ્વારા અગાઉ રોહિત ને માર મારવામાં આવ્યો હોવાથી માઠું લાગી આવતા તેણે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
મારામારીનો બીજો બનાવ મોહન નગર વિસ્તારમાં બન્યો હતો. જ્યાં રહેતા સલીમભાઈ હાજીભાઈ તાયાણી નામના ૫૩ વર્ષના આધેડે પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે ગુલાબનગર સંજરી ચોકમાં રહેતા રફીક નુરમામદ આમરોડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જૂની અદાવતમાં મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે બંને મામલામાં ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પોરબંદરના છાંયાના એ.સી.સી. રોડ ઉપર ગૌશાળા પાસે થયેલ મારામારીના બનાવની વિગત એવી છે કે નવા કુંભારવાડામાં રહેતા દિલીપ ભીમા આંત્રોલીયા નામના પ્રૌઢે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે અને દિલીપ ઉર્ફે દુલા માલદે ઓડેદરાએ બે વર્ષ પહેલા દિલીપની રતનપરની સીમમાં આવેલ ખેતરમાં પચાસ ટકા ભાગીદારીથી વાવવા રાખ્યું હતું. જેના ૧૦ હજાર રૂપીયા દિલીપ ઉર્ફે દુલાએ દિલીપ આત્રોલીયા પાસે માંગતા ફરિયાદીએ શરત મુજબ હિસાબ કરીએ તો મારે તમારી પાસેથી ૫૦ હજારથી પણ વધુ રૂપીયા લેવાના નીકળે છે. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા દિલીપ ઉર્ફે દુલાએ દિલીપ આંત્રોલીયાને માર મારી, ગાળો આપી હતી તથા ત્યાર બાદ તેને ફોન કરીને બોલાવતા રામ માલદે ઓડેદરા બુલેટ બાઈક લઈને આવી પહોચ્યો હતો. અને તેણે બુલેટમાંથી પાઈપ કાઢ્યો હતો. જે દિલીપે લઈને ફરિયાદીને માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોરબંદરના માણેકચોકમાં ચા વાળાની બાજૂમાં રહેતા સુરેશ પાંચા સોલંકીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે, કે તેને મિલ્કત બાબતે સગા ભાઈ પ્રકાશ પાંચા સોલંકી સાથે મનદુઃખ થતા પ્રકાશ તથા મિતેષ સવજાણીએ સુરેશને ગાળો દઈ લાકડી વડે માર માર્યો હતો.