જામનગર, તા. 9 મે 2020 શનિવાર
જામનગર જિલ્લા કલેકટર દ્વારા સંપૂર્ણ લોક ડાઉન અંગેનું નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા પછી આજે સવારથી જ તેની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
આજે જામનગર શહેરના ચાંદી બજાર, રણજીત રોડ, બેડી ગેટ, બર્ધન ચોક, તીનબત્તી, ગુરુદ્વારા ચોકડી, અંબર સિનેમા રોડ સહિતની તમામ મુખ્ય બજારો સજ્જડ બંધ રહી છે. અને મુખ્ય માર્ગો સુમસામ નજરે પડી રહ્યા છે.
જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં પણ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. અને માત્ર બપોરે 2થી 4 વાગ્યા સુધી જ વેપાર ધંધા કરવાની છૂટ હોવાથી તે પ્રકારના ગ્રેઇન માર્કેટ મા બોર્ડ પર લગાડી દેવામાં આવ્યા છે. 2 કલાકનો સમય પૂરતા હોલસેલ વેપારીઓ આવીને પોતાના વેપાર-ધંધા કરી શકશે.

આ ઉપરાંત શહેરના અન્ય જુદા જુદા વિસ્તારો માં પણ લોક ડાઉનની વ્યાપક અસર જોવા મળી છે. અને કેટલાક વેપારીઓએ સ્વયંભુ બંધ પાડયો છે. જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વિના કારણે બહાર નીકળેલા લોકો જોવા મળ્યા હતા.
ઉપરાંત કેટલાક બેકરી સહિતના વેપારીઓએ પોતાની દુકાનો ખોલી નાખી હતી. સાથોસાથ કેટલાક લોકો પણ વહેલી સવારથી વસ્તુઓ લેવા માટે ઘરની બહાર નીકળી પડ્યા હતા. જેથી પોલીસ તંત્ર દ્વારા તમામને રોકવામાં આવી રહ્યા હતા. જરૂરિયાત વિના નીકળનારા લોકોને સુચના આપી પરત ઘરે મોકલવામાં આવ્યા હતા.
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફ્રૂટ્સ અને શાકભાજીની લારીઓ ઉભી રહે છે. તે તમામ રેકડીચાલકોને પણ પોલીસ ટુકડી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે રીતે ઉભા રાખવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપરાંત લોકોએ પણ ભીડ નહીં કરવા માટેની અને ચુસ્ત પાલન કરવા માટે ની સૂચના આપવામાં આવી હતી.


