જામનગરમાં 55 દિવસના વિરામ પછી એસ.ટી.ના પૈડા ફરતા થયા
જામનગર, તા. 20 મે 2020 બુધવાર
જામનગરના એસ.ટી ડેપો પરથી આજે રાજકોટ માટેની બે બસ રવાના થઈ હતી. તે જ રીતે દેવભૂમિ દ્વારકામાંથી રાજકોટ માટેની આવેલી બે બસોને પણ રાજકોટ તરફ રવાના કરવામાં આવી છે. જેથી રાજકોટ માટે બે જિલ્લાની ચાર બસો રવાના થઇ છે.
આ ઉપરાંત જામનગરના ધ્રોલ-જોડિયા લાલપુર અને કાલાવડ તેમજ સમાણા વગેરે રુટ પર ટોટલ કુલ 26 બસો દોડતી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
ઓનલાઇન બુકિંગ ને બદલે એસટી બસના કંડક્ટર દ્વારા જ બુકિંગ લેવામાં આવ્યું છે અને તમામ પ્રવાસીઓને હાથમાં સેનિટાઇઝર નો ઉપયોગ કરાવી મોઢે માસ્ક પહેરાવ્યા પછી જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. સાથોસાથ પ્રત્યેક બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે માટે ત્રીસ લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજે પ્રથમ દિવસે 26 બસમાં 550 જેટલા મુસાફરોને રવાના કરાયા હતા. ઉપરાંત જામનગર ના જુદા જુદા તાલુકા મથકો માંથી તેમ જ દ્વારકામાંથી કુલ સત્તર બસો જામનગરના એસ.ટી ડેપો પર આવી છે અને સાડા ત્રણસોથી વધુ મુસાફરો અન્ય તાલુકામાંથી જામનગરમાં આવી પહોંચ્યા છે. તમામ મુસાફરોનું થર્મલ ગન મારફતે સ્કેનિંગ પણ કરવામાં આવ્યું છે. જોકે પ્રથમ દિવસે કોઈ પ્રવાસીઓ ની તબિયત માં વાંધાજનક જણાયું નહતું.