Jamnagar

આસામના હાઈવે પર લંગડાતી જોવા મળેલી હાથણી ‘માણિકી’ને વનતારામાં મળ્યો આશરો

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
આસામના હાઈવે પર પીડાતી 48 વર્ષીય હાથણી 'માણિકી'ને જામનગરના વનતારા ખાતે લવાઈ છે. લાંબા સમયની કાયદાકીય પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટ સમિતિની મંજૂરીથી તેને અહીં પુનર્વસન માટે લાવવામાં આવી છે. માણિકી પગની ગંભીર ઈજા, ચેપગ્રસ્ત ઘા અને નબળાઈથી પીડાઈ રહી છે. વનતારામાં તેને હાઇડ્રોથેરાપી, એક્યુપંક્ચર અને વિશેષ આહારથી સારવાર અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામના હાઈવે પર લંગડાતી જોવા મળેલી હાથણી ‘માણિકી’ને વનતારામાં મળ્યો આશરો

Injured Assam Elephant Maniki Arrives At Vantara : આસામના એક હાઇવે પર અસહ્ય શારીરિક પીડા અને પગની ખોડખાંપણ સાથે લંગડાતી ચાલતી હાથણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી હતી. 48 વર્ષીય આ પીડિત હાથણી 'માણિકી'ને આખરે લાંબા સમયની કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા બાદ જામનગર સ્થિત વનતારા (એલિફન્ટ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર) ખાતે પુનર્વસન માટે લાવવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની સમિતિએ આપી મંજૂરી
મળતી માહિતી મુજબ, માણિકી ઉંમર સંબંધિત વિવિધ બીમારીઓ, અંગોમાં ચેપગ્રસ્ત ઘા, એક આંખે ઝાંખપ, ગંભીર ડિહાઇડ્રેશન અને અત્યંત શારીરિક નબળાઈથી પીડાઈ રહી છે. ખાસ કરીને તેના આગળના ડાબા પગની ગંભીર ઈજાને કારણે તેને ચાલવામાં ભારે તકલીફ પડી રહી હતી. હાથણીની આ દયનીય સ્થિતિને જોતા તેના માલિક રુચિ ચેટિયાએ તેને અદ્યતન તબીબી સારવાર મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત હાઇ-પાવર્ડ કમિટીને પત્ર લખીને વનતારામાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટ સમિતિ, આસામ વન વિભાગ અને ગુજરાત સરકાર તરફથી જરૂરી વહીવટી મંજૂરીઓ મળ્યા બાદ, વનતારાની રેસ્ક્યુ ટીમ દ્વારા તેને આસામથી સુરક્ષિત રીતે જામનગર લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હાઇડ્રોથેરાપી અને એક્યુપંક્ચરથી સારવાર શરૂ કરાશે
વનતારાના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, માણિકીનો હેલ્થ રિપોર્ટ ચિંતાજનક હોવાથી તેના માટે લાંબા ગાળાનો મેડિકલ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં તેની શારીરિક નબળાઈ અને ડિહાઈડ્રેશન દૂર કરવા માટે વિશેષ પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તેના પગની પીડા ઓછી કરવા માટે એલોપેથીક દવાઓની સાથે હાઇડ્રોથેરાપી અને એક્યુપંક્ચર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. ઈજાગ્રસ્ત પગ પર વજન ન આવે તે માટે તેને હૉસ્પિટલ પરિસરના નરમ માટીવાળા અને કુદરતી જળાશયોવાળા વિસ્તારમાં રાખવામાં આવી છે, જેથી તેના સાંધા પરનું દબાણ હળવું થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી કાર્યરત 'વનતારા' એ દેશ-વિદેશના ઇજાગ્રસ્ત, અનાથ અને પીડિત વન્યજીવોના રેસ્ક્યુ તેમજ પુનર્વસન માટે સ્થાપવામાં આવેલું કેન્દ્ર છે. અહીં ખાસ કરીને હાથીઓ માટે અદ્યતન મલ્ટી-સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને કુદરતી આવાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં હાલ માણિકીને કાયમી આશરો આપવામાં આવ્યો છે.