લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં વાડીમાં શ્રમિક યુવાનની તેની પત્ની અને પ્રેમી દ્વારા હત્યા
- પત્ની અને પ્રેમીની પોલીસ દ્વારા અટકાયત
જામનગર, તા. 04 એપ્રીલ 2020, શનિવાર
લાલપુર તાલુકાના મોટા ખડબા ગામ માં રહેતા ખેડૂત પ્રવિણસિંહ મનુંભા જાડેજા ની વાડી માં છેલ્લા એક વર્ષથી ભાગમાં ખેતીકામ કરતા લખમણભાઇ ઉર્ફે પોરો કરસન ભાઈ વાણીયા નામના 37 વર્ષના શ્રમિક યુવાનને ગઈકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ મોટરસાઇકલ પરથી પડી જતા માથાના ભાગે ઇજા થઇ છે, તેવી જાહેરાત મૃતક ની પત્ની અંજુબેન એ કરી હતી.
જેથી નાના ખડબા ગામ માં રહેતા મૃતક લખમણભાઇના મોટા ભાઈ કેસુરભાઈ કરસનભાઈ વાણીયા તથા અન્ય લોકો વાડીએ પહોંચી ગયા હતા, અને લાલપુર પોલીસને જાણ કરતા સૌપ્રથમ લાલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે શંકા વ્યક્ત કરી હતી અને મોટરસાઇકલ પરથી પડી જવાના કારણે માથાના ભાગે ધારદાર ઊંડો ઘા વાગે અને બનાવના સ્થળે જ મૃત્યુ થઈ જાય એવી વાત ગળે ઉતરતી ન હતી.
દરમિયાન એલસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહને જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા મૃતક ની પત્ની અંજુબેન ઉપરાંત વાડીના માલિક વગેરેની મોડી રાત્રી સુધી પૂછપરછ કરવામાં આવી રહી હતી. આખરે વહેલી સવારે મૃતકની પત્ની અંજુબેને હત્યા અંગે ના બનાવની કબુલાત આપી દીધી હતી. અને પોતાની બહેનના દિયર લાલપુર તાલુકાના બાધલા ગામના વતની અને પોતાના પ્રેમી પ્રફુલ રામજી સોરઠીયા સાથે મળીને પૂર્વયોજિત કાવતરું ઘડી પતિનો કાંટો કાઢવા માટે હત્યા નિપજાવી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અંજુબેન કે જેના લગ્ન આજ થી 18 વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે જેમાં મોટી પુત્રી તો હાલ 17 વર્ષની છે, અને છેલ્લા પાંચેક વર્ષથી પોતાની નાની બહેન મધુબેન કે જે લાલપુર તાલુકાના બાઘલા ગામમાં રહે છે. તેનો દિયર પ્રફુલ રામજી સોરઠીયા કે જે છેલ્લા પાંચ વર્ષથી પોતાના સંપર્કમાં આવ્યો હતો અને આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
પ્રફુલ ઘેર અવારનવાર આવતો જતો હોવાથી અને અનૈતિક સંબંધો અંગેની પતી લખમણભાઇ ને જાણ થઇ જતા તેને ઘેર આવતો બંધ કરાવી દેવાયો હતો. અને છેલ્લા બે વર્ષથી તેને ઘરે આવવા માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. પરંતુ અંજુબેન પ્રેમમાં આંધળી હોવાથી ચોરીછૂપીથી પ્રફુલ ના સંપર્કમાં રહેતી હતી. દરમિયાન બે દિવસ પહેલા પ્રેમમાં અડખીલીરૂપ એવા પતિનો કાંટો કાઢી નાખવા માટે અજુ બેન અને પ્રફુલ બન્ને એ પુર્વ યૉજીત કાવતરું રચ્યું હતું.
જે અનુસાર ગઈકાલે રાત્રે આઠ વાગ્યે પતિ-પત્ની વાડીએ કામ કરવા ગયા હતા જ્યાં એકલા હોવાથી અંજુબેને પોતાના પ્રેમી પ્રફુલ ને મોબાઈલ કરીને મોટાખડબા ગામે બોલાવી લીધો હતો અને તકનો લાભ લઈ સૌ પ્રથમ પ્રફુલ એ માથામાં એક કોદાળી નો ઘા મારી દેતા લખમણભાઇ ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યાર પછી પત્ની અંજુબેને પણ એક ઘા મારી દીધો હતો. અને મોટરસાયકલ પાસે મૃતદેહને રાખી પોલીસને તેમજ લખમણભાઇ ના મોટાભાઈને અકસ્માત ના કારણે મૃત્યુ નીપજયું હોવાની જાણ કરીને બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ બનાવ અંગે મૃતક લખમણભાઇ ના મોટા ભાઈ કેસુરભાઈ કરસનભાઈ વાણિયાએ લાલપુર પોલીસ મથકમાં પોતાના ભાઇની હત્યા પુર્વયૉજીત કાવતરું ઘડીને હત્યા નિપજાવવા અંગે પત્ની અંજુબેન લખમણભાઇ વાણિયા અને તેણીના પ્રેમી બાધલા ગામના પ્રફુલ રામજી સોરઠીયા સામે ગુનો નોંધ્યો છે. અને બંનેની અટકાયત કરી લીધી છે.