mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગરના દરેડમાંથી 82 લાખનો બ્રાસનો માલ ભરીને નાસી છુટેલો ટ્રક ચાલક સુરતમાંથી મુદામાલ સાથે પકડાયો

Updated: Feb 16th, 2024

જામનગરના દરેડમાંથી 82 લાખનો બ્રાસનો માલ ભરીને નાસી છુટેલો ટ્રક ચાલક સુરતમાંથી મુદામાલ સાથે પકડાયો 1 - image


બ્રાસપાર્ટ નો માલસામાન એક દુકાન ભાડે કરી તેમાં ઉતારી લીધો હતો: વેચવાની પેરવી કરે તે પહેલાં પોલીસે ઝડપી લીધો

જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું  એકમ ધરાવતા એક વેપારી ની પેઢીમાંથી ૮૨ લાખનો બ્રાસ નો માલ સામાન ભરીને નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થયો હતો. તેને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સહિતની પોલીસ ટુકડીએ સુરત પંથક માંથી શોધી કાઢયો છે, અને એક દુકાનમાં ઉતારેલો બ્રાસનો તમામ મુદ્દા માલ પોલીસે કબજે કરી લઇ જામનગર લઈ આવ્યા છે.

આ ફરીયાદ અંગે ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા અને અને ટ્રાન્સપોર્ટ ની પેઢી માં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ કિશોરભાઈ ગાગીયાએ જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રક ચાલક સામે રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમતનો તૈયાર બ્રાસ પાર્ટ નો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યા ને ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષારભાઈ ગાગીયા ની કંપનીને જામનગર થી મહારાષ્ટ્રના સીનર (નાસીક) વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપાર્ટનો તૈયાર માલ સામાન મોકલવા માટે નો ઓર્ડર મળ્યો હતો, અને જામનગર નજીક દરેડમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની માંથી રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમત નો તૈયાર માલ સામાન રવાના કરવાનો હતો.

જે ઓર્ડર મુજબ તુષારભાઈ જાગીયા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા નો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જી.જે.૧૦ ટી.વાય. ૭૭૪૩ નંબરના ટ્રકમાં ૧૦ ટન જેટલો માલ સામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો, જેમાં ૩૦૦ નંગ દાગીનાઓ હતા, જેનું આશરે વજન ૯૮૩૮ કિલોગ્રામ અને આ માલ સામાનની કિંમત રૂપિયા ૮૨,૨૫,૭૮૦ થવા જાય છે.

જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગર થી ટ્રક ચાલક નીકળ્યા પછી નાસિક ના નિર્ધારીત સ્થળે પહોંચ્યો ન હતો, અને તપાસ દરમિયાન ટ્રક ચાલક બ્રાસસપોર્ટ નો માલ અન્યત્ર ઉતારી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.

જેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ ૪૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને રેઢો પડેલો ટ્રક કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આ પ્રકરણની તપાસમાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ જોડાઈ હતી, અને જુદી જુદી ટુકડીઓ ટ્રક ચાલકને શોધવા માટે નીકળી હતી.

દરમિયાન સુરત કામરેજ મેઇન રોડ પર લસકાણા ગામના પાટીયા પાસેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, અને તેણે એક દુકાન ભાડે કરીને તમામ ૩૧૦ બ્રાસના દાગીના ઉતાર્યા હતા, જે તમામ બ્રાસ નો સમાન આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં વેચવા માટેની પહેરવી કરી રહ્યો હતો, તે પહેલાંજ પોલીસે તેને ઉઠાવી લીધા છે, અને તમામ માલમતા કબજે કરી લઇ જામનગર લઈ આવ્યા છે, અને ટ્રક ડ્રાઇવરની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Gujarat