જામનગર, તા. 03 મે 2020, રવિવાર
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૬માં રહેતા ૫૫ વર્ષના એક આધેડ ગઇકાલે મોડી રાત્રે એકાએક પોતાની બીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાઈ પડયા હતા અને હેમરેજ થઈ જતાં તેઓનું મૃત્યુ નિપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૬ અને૫૭ ની વચ્ચે ની શેરીમાં આજે વહેલી સવારે એક અજ્ઞાત આધેડનો મૃતદેહ પડયો હોવાની માહિતીના આધારે પોલીસે દોડી જઈ તપાસ કરતા દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૬ માં રહેતા હુસેન મુસાભાઇ પઠાણ (ઉમર વર્ષ 55) નો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું.
જેઓ બીજા માળે રહેતા હતા અને બાલ્કનીમાંથી રાત્રી દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતા મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું હતું. જેઓ એકલવાયું જીવન જીવતા હતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.


