જામનગરમાં અંધઆશ્રમ રેલવે ઓવરબ્રિજ નીચે એક હોટલ બોયને લૂંટી લેવાયાની ઘટના સામે આવતાં ચકચાર
image : Freepik
- બે અજાણ્યા લૂંટારૂઓ યુવાનના હાથમાંથી રૂપિયા 20,000 ની કિંમતનું ચાંદીનું કડું અને મોબાઇલ લૂંટી ગયા
જામનગર,તા.09 માર્ચ 2024,શનિવાર
જામનગરમાં અંધાશ્રમ રેલવે ફાટક નીચે રેલવે લાઇન પરથી પસાર થઈ રહેલા એક હોટલ બોયને બે લૂંટારુઓએ ભય બતાવી તેના હાથમાંથી રૂપિયા 20,000 ની કિંમતનું ચાંદીનું કડું અને રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન લૂંટી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતો અને એક ચા ની હોટલમાં નોકરી કરતો દેવશીભાઈ પરબતભાઈ નામનો 21 વર્ષનો ભરવાડ જ્ઞાતિનો યુવાન ગઈકાલે અંધશ્રમ ઓવરબ્રિજ નીચે થી પસાર થઇ રેલ્વે લાઈન પાસે ઉભો હતો.
જે દરમિયાન બે અજાણ્યા લૂંટારૂઓ આવ્યા હતા, અને ધાકધમકી આપી, ભય બતાવી ફરીયાદીના હાથમાં પહેરેલું રૂપિયા 20,000 ની કિંમતનું ચાંદીનું કડું આંચકી લીધું હતું, અને તેના ખીસ્સામાં રહેલો રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન આચકી લીધો હતો.
જે બંને વસ્તુની લૂંટ ચલાવી લૂંટારૂઓ ભાગી છૂટયા હતા. જે મામલો સીટી સી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે, અને પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારુઓને શોધી લેવા માટેની કવાયત શરૂ કરી છે.