Jamnagar

જામનગરમાં રવિવારે 28 હજાર બાળાઓ-બટુકો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના હર્ષિદા ગરબી મંડળ અને હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25 ઓક્ટોબરે પવનચક્કી વિસ્તારમાં 28 હજાર બાળાઓ-બટુકો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંસ્થાની 51 વર્ષની સેવાકીય પરંપરામાં સૌરાષ્ટ્ર-કચ્છના સંતો-મહંતો હાજર રહેશે. આ પ્રસંગે બાવન ગજની ધજા ફરકાવાશે અને માતાજીની મહાઆરતી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રવિવારે 28 હજાર બાળાઓ-બટુકો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Jamnagar: જામનગરના હર્ષિદા ગરબી મંડળ અને હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર, તા. 25 ઓક્ટોબરના રોજ પવનચક્કી વિસ્તારની ભાનુશાળી જ્ઞાતિની વેજુમાં વાડી ખાતે ગરબી મંડળની માતાજી સ્વરૂપ 28 હજાર બાળાઓ, બટુકો અને શાળાની વિદ્યાર્થીનીઓ માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છના વંદનીય સંતો-મહંતોની પધરામણી થશે. સંસ્થાની આ સેવાકીય પરંપરાને 51 વર્ષ પૂર્ણ થઈ બાવનમા વર્ષમાં પ્રવેશ થશે.

તા. 15 ઓક્ટોબર, 1975ના રોજ માત્ર 11 કાર્યકરોએ સાથે મળીને હર્ષિદા ગરબી મંડળની સ્થાપના કરી હતી. પ્રથમ વર્ષે માત્ર ૧૧ માતાજી સ્વરૂપ કુમારિકાઓને મહાપ્રસાદ જમાડીને આ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી વર્ષોથી કોઈપણ જાતના ભેદભાવ વગર બાળાઓને માતાજીનું સ્વરૂપ માનીને મહાપ્રસાદ પીરસવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આજે આ પરંપરા વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને અંદાજે 28 હજાર બાળાઓ તથા બટુકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કાલાવડના ગણપતિ મંદિર તપસ્વી આશ્રમના મહંત મહેશગીરી બાપુ, મોડપર શનિધામના કલ્યાનાથજી બાપુ, હરિપર-કાલાવડના ઉમેરગીરી બાપુ, જામકંડોરણાના નાગલધામના કિશનબાપુ, ખાંભાવાવના દેવાંગી આશ્રમના મહંત અનસુયાદાસ માતાજી તથા કોઠારી માધવદાસજી બાપુ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચનો પાઠવશે. બ્રહ્મલીન ગુરુદેવ ઈશ્વરલાલજી બાપુનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમના ભાગરૂપે સવારે નવ વાગ્યે કટારીયાવાળા વાછરાદાદાની બાવન ગજની ધજા ફરકાવવામાં આવશે. સવારે સાડા દસ વાગ્યે સંતો-મહંતોના સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ સવારે અગિયાર વાગ્યે કચ્છના મઢ ખાતે આવેલા દેશદેવી આશાપુરા માતાજીના મંદિરના ગાદીપતિ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે માતાજીના મંગલ દીપનું પ્રાગટ્ય કરવામાં આવશે અને માતાજીની મહાઆરતી યોજાશે. બપોરે બાર વાગ્યે જૂનાગઢના ભવનાથ ખાતેના પંચદશનામ અખાડાના થાનાપતિ મહંત બુદ્ધગીરી બાપુના હસ્તે બાળાઓને મહાપ્રસાદ પીરસીને કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવશે.

આ વિશાળ આયોજનને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરો દ્વારા દિવસ-રાત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. રવિવારે આશરે ૩૦૦ સેવાભાવીઓ સેવા આપશે. કોઈપણ બાળા કે બટુક મહાપ્રસાદથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ વિસ્તારોને આવરી લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું છે.