જામનગરના ગાંધીનગર સ્મશાન વિસ્તારમાં પાંચ વર્ષનો બાળક ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં શોધખોળ
જામનગર, તા. 7 જુલાઈ 2020 મંગળવાર
જામનગરમાં આજે ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ ઉપરવાસના વરસાદના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. દરમિયાન જામનગરના ગાંધીનગર સ્મશાન પાસે પાંચ વર્ષનો એક બાળક તણાયો છે, જેને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જામનગરના ગાંધીનગર સ્મશાન પાસે રંગમતી નદી નો ધસમસતો પ્રવાહ દરિયા તરફ જઈ રહ્યો છે. દરમિયાન આજે સવારે નવેક વાગ્યાના અરસામાં પાંચ વર્ષનો એક બાળક નદીના પ્રવાહમાં તણાયો હતો.
નદી કાંઠે ઉભેલા કેટલા વ્યક્તિ એ બાળકનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેજ પ્રવાહમાં બાળક તણાઈ ગયો હતો. અને બાવળના ઝાડી-ઝાંખરામા ફસાયા પછી પ્રવાહમાં અલિપ્ત બની ગયો હતો. જેથી લોકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડ શાખાને જાણ કરતા ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકની શોધખોળ હાથ ધરી છે.