Jamnagar

જામનગરમાં પૈસાની લેતીદેતીના વિવાદથી વ્યથિત 52 વર્ષીય પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના રણજીતસાગર રોડ પર 52 વર્ષીય ગોરધનભાઈ તારપરાએ નાણાકીય લેતીદેતીના વિવાદથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ધવલભાઈ વસોયા, આશીષભાઈ, નવીનભાઈ ડોબરિયા અને ધીરજભાઈ સોરઠિયા સાથેના નાણાકીય વ્યવહારોને કારણે તેઓ માનસિક તણાવમાં હતા. પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પૈસાની લેતીદેતીના વિવાદથી વ્યથિત 52 વર્ષીય પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Jamnagar News : જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પ્રૌઢે નાણાકીય લેતીદેતીના વિવાદથી વ્યથિત થઈ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ દ્વારા અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના રણજીતસાગર રોડ પર કીર્તિ પાનના ઢાળિયા પાસે અશોક વાટિકા શેરી નં.3માં રહેતા ગોરધનભાઈ ગાંડુભાઈ તારપરા (ઉં.વ.52)એ ઝેરી જંતુનાશક દવા પી લેતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ મૃતકના ઓળખીતા ધવલભાઈ રમેશભાઈ વસોયા દ્વારા બ્રાસપાર્ટનો માલ ખીમજીભાઈ નકુમને વેચવામાં આવ્યો હતો. આ વ્યવહારના નાણાં અંગે ધવલભાઈ તથા આશીષભાઈ સાથે લેતીદેતી ચાલતી હોવાનું નોંધાયું છે.
આ ઉપરાંત નવીનભાઈ ડોબરિયા સાથે ભંગારના વ્યવહાર અંગે નાણાકીય લેતીદેતી ચાલતી હતી અને ચેક બાઉન્સ અંગે કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે. જ્યારે ધીરજભાઈ સોરઠિયા સાથે પણ નાણાકીય વ્યવહાર હોવાનું સામે આવ્યું છે.
આ તમામ નાણાકીય વ્યવહારોના કારણે મૃતક માનસિક રીતે વ્યથિત હોવાનું પ્રાથમિક પોલીસ નોંધમાં જણાવાયું છે. દરમિયાન તેમણે ઝેરી દવા પી લેતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 મુજબ અપમૃત્યુની નોંધ કરી પોલીસે મૃત્યુના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે. નાણાકીય વ્યવહારો અને મૃત્યુ વચ્ચેનો ચોક્કસ સંબંધ તપાસ બાદ સ્પષ્ટ થશે.