Jamnagar

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે વાડી વિસ્તારમાં 108ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં 108 એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતાં, પાયલોટ ધવલ કણજારિયા અને EMT માનવ નાખવા 0.5 કિલોમીટર પગપાળા ચાલીને પહોંચ્યા હતા. ત્યાં 22 વર્ષીય સગર્ભા મહિલા સંગીબેન મેડાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી, તંદુરસ્ત પુત્રને જન્મ અપાવ્યો. માતા-બાળકને વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે વાડી વિસ્તારમાં 108ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ

Jamnagar 108 Ambulance : કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થતી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે જામનગરમાં વધુ એક વખત સરાહનીય કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારમાં વાડી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી 108ની ટીમે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચી 22 વર્ષીય સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપતાં માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર, 108 કંટ્રોલ રૂમ તરફથી પ્રસૂતિના કેસની જાણ થતાં એમ્બ્યુલન્સના પાયલોટ ધવલ કણજારિયા અને ઈએમટી માનવ નાખવા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારની વાડીમાં સગર્ભા મહિલા પ્રસૂતિની પીડા અનુભવી રહી હોવાની જાણ થતાં ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, વાડી વિસ્તારની અંદર સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી પાયલોટ અને ઈએમટીએ જરૂરી તબીબી સાધનસામગ્રી સાથે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચવાની જહેમત ઉઠાવી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ 22 વર્ષીય સંગીબેન મેડાની પ્રસૂતિના સ્પષ્ટ લક્ષણો જણાતાં તેમને હોસ્પિટલ લઈ જવા માટે સમય ન હોવાથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
108ની ટીમની સમયસૂચકતા અને કુશળતાના પરિણામે સંગીબેનની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને તેમણે તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, માતાનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાનું જણાતાં જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રને વધુ સારવાર અને દેખરેખ માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યાં હતાં.
અંતરિયાળ વિસ્તારોમાં પણ 108ની ટીમની જીવનરક્ષક કામગીરી : ચાલુ વર્ષે 10 થી વધુ કિસ્સા
જામનગર ઉપરાંત જામજોધપુર અને લાલપુર તાલુકાના કેટલાક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ 108ની ટીમો માટે દર્દીઓ સુધી પહોંચવું પડકારરૂપ બની રહ્યું છે. વાડી વિસ્તારોમાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય ત્યારે ટીમના સભ્યો અડધાથી એક કિલોમીટર સુધી પગપાળા ચાલીને દર્દીઓ સુધી પહોંચ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ચાલુ વર્ષે આવા અંદાજે દસ જેટલા કેસમાં 108ની વિવિધ ટીમોએ ભારે જહેમત ઉઠાવી દર્દીઓને સ્થળ પર જરૂરી સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓ માટે 108ની આ જીવનરક્ષક સેવા આશીર્વાદરૂપ બની રહી છે.