જામનગર: દુકાનો ખોલાવીને 915 કિલો અખાદ્ય મીઠાઈ-ફરસાણનો નાશ કરાયો
જામનગર, તા. 29 એપ્રીલ 2020, બુધવાર
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે જામનગરના જોલી બંગલો વિસ્તારમાં આવેલી શ્રી લક્ષ્મી હોટલ ને ખોલાવી તેમા થી ૮૫ કિલો ફરસાણ નો જથ્થો કબજે કરાયો હતો, અને ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન નું વાહન લાવી તેમાં તમામ જથ્થો નાખી દેવાયો હતો અને ડમ્પીન્ગ સાઇટ પર નાશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જોલી બંગલા રોડ પર આવેલી કૈલાસ સ્વીટ માર્ટમાં થી 50 કિલો મીઠાઈ અને 250 કિલો ફરસાણ અને રણજીતનગર વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટ ની દુકાન ખોલાવી અંદર થી 10 કિલો મીઠાઈ અને 80 કિલો ફરસાણનો જથ્થો કબજે કર્યો હતો. અને તેનો સ્થળ પણ નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર આવેલી હરિઓમ નમકીન સ્વીટ ની અંદરથી 60 કિલો મિઠાઈ અને 80 કિલો ફરસાણ તેમજ ગોકુલનગર વિસ્તારમાં આવેલી હરિઓમ નમકીન સ્વીટ નામની દુકાન ખોલી તેમાંથી 200 કિલો મીઠાઈ અને 100 કિલો ફરસાણ વગેરે મળી કુલ 915 કિલો અખાદ્ય ફરસાણ -મીઠાઈ નો મોટો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો હતો, અને ગાર્બેજ કલેક્શનના વાહનમાં તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.