જામનગર જિલ્લામાં "હમ નહીં સુધરેંગે": લોકડાઉન ભંગની વધુ 56 ફરિયાદ
- રાજકોટ થી ભાગીને આવેલા વધુ એક શખ્સ સામે ગુનો નોંધાયો
- જામનગરમાં દૂધની ડેરીમાં અન્ય ચીજોનું વેચાણ કરી રહેલી બે મહિલા વિક્રેતાઓ સામે ફરિયાદ
જામનગર, તા. 18 એપ્રીલ 2020, શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં હજુ સુધી લોકો સુધારતા નથી અને વિના કારણે ઘરની બહાર નીકળી રહ્યા છે પોલીસ દ્વારા ગઈકાલે જામનગર જિલ્લામાં વધુ 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. અને સાડાત્રીસ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1069 એફઆઈઆર દાખલ થઇ છે. અને 778 લોકોની ધરપકડ કરાઈ છે.
રાજકોટ થી ભાગીને જામનગર આવેલા વધુ એક શખ્સને પકડી લેવાયો છે. જયારે જામનગરમાં દૂધની ડેરી માં અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી રહેલી બે મહિલા વિક્રેતાઓ સામે ગુનો દાખલ કરાયો છે. જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉન દરમિયાન અનેક લોકો વિના કારણે ઘરથી બહાર નીકળી રહ્યા છે. તેઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો સુધારતા નથી અને વિના કારણે બહાર નીકળવાનું અવિરત ચાલુ રાખ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની વધુ 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં 37 લોકોની ધરપકડ કરાઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૬૯ એફ આઈ આર દાખલ કરવામાં આવી છે. અને કુલ 778 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે 2,500થી વધુ લોકોને નોટિસ આપી જવા દેવાયા છે.
રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ હુસેની ચોકમાં રહેતો મોહમ્મદ આરીફ કે જેને રાજકોટમાં હોમ કોરોન્ટાઈન કરાયો હતો. જે શખ્સ રાજકોટ થી ભાગીને જામનગર માં પ્રવેશતા પોલીસે પકડી પાડયો છે, અને તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અને ધરપકડ કરી છે. હાલ તેને સમરસ હોસ્ટેલ માં મોકલી દેવાયો છે.
આ ઉપરાંત જામનગરમાં બે મહિલાઓ દૂધની ડેરી માં અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા નજરે પડી હતી. જેથી પોલીસે બંને મહિલાઓ દક્ષાબેન દીપકભાઈ કનખરા તેમજ માનસીબેન સુમિતભાઈ હરખાણી સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ ની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે અને બન્ને ને નોટિસ પાઠવી છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં લોક ડાઉન નો ભંગ કરવા અંગે જુદા જુદા વિસ્તારમાં પાંચ મહિલાઓ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. પુરુષોની સાથે મહિલાઓ પણ ઘરની બહાર નીકળી રહી હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે.