જામનગર જિલ્લામાં લોકડાઉનના ભંગ અંગેની વધુ 33 ફરિયાદ: 21ની અટકાયત
જામનગરમાં જિલ્લામા પાન-તમાકુના તેમજ ફરસાણના આઠ વેપારીઓ સામે લોક ડાઉનના ભંગ અંગે ગુના નોંધાયા
જામનગર, તા.27 એપ્રિલ 2020, સોમવાર
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે. જેની સામે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ગઈકાલે વધુ 33 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જામનગર શહેરમાંથી ગઈકાલે સતત બીજા દિવસે પણ એકસોથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તમાકુ અને ફરસાણના 8 વેપારીને પોલીસે પકડી પાડયો હતો. અને તમામ સામે ગુના નોઘ્યા છે.
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક ડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગઇકાલે લોક ડાઉનનો ભંગ કરનારા અને વિના કારણે ઘરમાંથી બહાર નીકળનારા લોકો સામે વધુ 33 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે પૈકી 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી ને 48ને નોટીસ આપી જવા દેવાયા છે.
જામનગર શહેરમાં જુદા-જુદા પોઇન્ટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી ડબલ સવારીમાં નીકળેલા અથવા ટ્રાફીક નિયમનનો ભંગ કરનારા 100થી વધુ વાહનચાલકોના વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં લોક ડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે પોતાની દુકાનમાં ફરસાણ વેચી રહેલા દિપક બળવંતભાઈ ચાવડા અને રમેશ સવજીભાઈ મકવાણાને પોલીસે પકડી પાડયા છે અને તેઓની દુકાન બંધ કરાવી છે. આ ઉપરાંત સમયમર્યાદાથી વધુ પોતાની દુકાનો ખોલી રાખનારા મહેશ દુલાણી અને હિતેશ રમેશચંદ્ર દુલાણીને પણ પોલીસે જાહેરનામાના ભંગ બદલ પકડી પાડયા છે.
પ્રોવિઝન સ્ટોરમાં અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા યોગેશ શિવલાલ નંદાને પોલીસે પકડી પાડયો છે અને દુકાન બંધ કરાવી છે ઉપરાંત પવનચક્કી પાસે પાનની દુકાન ખુલ્લી રાખનારા મયુર જયંતીભાઈ નંદા પકડી પાડયો છે. અને તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.