જામનગરની મેડિકલ કોલેજના 24 તબીબોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરીયર તરીકે મોકલાવ્યા પછી બે તબીબો કોરોનાની ઝાપટે ચડયા
- બન્નેને અમદાવાદમાં દાખલ કરાયા: અન્ય 3 તબીબોનો રિપોર્ટ પેન્ડિંગ રખાયો: બાકીના 19ને જામનગર પરત મોકલાયા
- જામનગરની મેડીકલ કોલેજના કેમ્પસમાં તમામ 19 તબીબોને 7 દિવસ માટે કરાશે કોરોન્ટાઈન
- આજે વધુ 24 તબીબોની ટુકડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે કરાશે રવાના
જામનગર, તા.7 મે 2020, ગુરૂવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં તબીબી પ્રેક્ટિસ કરતા અને જામનગરની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા 6 પ્રોફેસર સહિતના 24 તબીબી વિદ્યાર્થીઓ (રેસિડેન્ટ ડોક્ટરો)ને કોવિડની લડત માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ પહેલાં મોકલાયા હતા. જે પૈકી 2 તબીબો કોરોનાથી સંક્રમિત બની ગયા છે, જ્યારે અન્ય 3 તબીબોના રિપોર્ટ પેન્ડિંગ રખાયા છે. જે પાંચેયને અમદાવાદમાં સારવાર માટે રખાયા છે. ઉપરાંત બાકીના 19 તબીબોને જામનગર પરત મોકલી દેવાયા છે. જેઓ જામનગર આવ્યા પછી મેડિકલ કેમ્પસમાં 7 દિવસ માટે કોરોન્ટાઈન રહેશે. ઉપરાંત આજે વધુ 24 તબીબોની ટુકડી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રવાના થઇ રહી છે.
જામનગરની મેડીકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા અને જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા 24 જેટલા તબીબોની ટુકડી એક સપ્તાહ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસની લડત માટે રવાના થઈ હતી. જ્યાંથી એક સપ્તાહનો પિરિયડ પૂર્ણ કરીને જામનગર પરત ફરી રહી હતી.
દરમિયાન તેઓનો કોવિડ ટેસ્ટ કરાવતા 2 તબીબો જીલ પટેલ અને કેતન મકવાણાનો કોરોનાવાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તબીબોમાં હડકંપ મચી ગયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ તબીબો કિંજલ નારીયા, પ્રિયંક બત્રા અને રાજુ હુણ કે જેઓના રિપોર્ટ શંકાસ્પદ આવ્યા છે. અને તેઓના બીજી વખત સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જે પાંચેયને હાલ અમદાવાદમાં સારવાર અર્થે રખાયા છે.
જ્યારે બાકીના અન્ય 19 તબીબોની ટુકડી જામનગર પરત ફરી રહી છે. જે તમામને જામનગરની મેડીકલ કોલેજના કેમ્પસમાં અન્ય સ્થળે સાત દિવસ માટે કોરોન્ટાઈન કરી દેવામાં આવશે. જો કે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ ઉપરાંત જામનગરની મેડીકલ કોલેજમાંથી આજે વધુ 24 તબીબોની ટુકડીને અમદાવાદ રવાના કરવામા આવી રહી છે. જેઓ પણ એક સપ્તાહ માટે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવશે.