જામનગરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાં શાકભાજીની વધુ 15 રેકડીઓ કબજે કરી
અનેક વખત સમજાવટ છતાં પણ શાકભાજીના વિક્રેતાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇને ભીડ એકઠી કરતા તંત્ર દ્વારા ફરી એક વખત લાલ આંખ
જામનગર, તા. 22 જુલાઈ 2020 બુધવાર
જામનગરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણચોક વિસ્તારના જામ્યુકોના તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અનેક વખત સમજાવટ છતાં પણ શાકભાજીના વિક્રેતાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇને ભીડ એકઠી કરતાં હોય છે અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરતા હોય છે.
જે અંગે કડક સૂચના આપ્યા પછી તેમજ અનેક વખત રેકડીઓ જપ્ત કર્યા પછી પણ સુધરતા નથી અને ભીડ એકઠી કરવાનું ચાલુ રાખ્યું છે.
જેના અનુસંધાને આજે જામનગર મહાનગરપાલિકા અને દબાણ હટાવ શાખાની ટુકડીએ પોલીસ તંત્રને સાથે રાખીને ફરીથી ઝુંબેશ હાથ ધરી હતી અને આજે સવારે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર 15 શાકભાજીની રેકડી કબજે કરી લીધી છે. આ કાર્યવાહી સમયે ભારે નાસભાગ મચી ગઇ હતી.